Gujarat

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુયે 3 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડવા સાથે કોલ્ડવેવની ચેતવણી

રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ખાસ કરીને ઠંડીનો પારો 3 ડિગ્રી હજુએ નીચે ગગડી જશે. જેના પગલે કાતિલ ઠંડીની અસર જોવા મળશે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં કોલ્ડ વેવની ચેતવણી હોવાના પગલે હજુ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ખાસ કરીને ઉત્તર-પૂર્વીય પવનને કારણે શીત લહેરની પણ અસર વધી છે.

રાજ્યમાં બુધવારે કચ્છના નલિયામાં કોલ્ડ વેવની અસરના પગલે ઠંડીનો પારો 5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. બીજી તરફ ગાંધીનગર, વલસાડ તથા રાજકોટમાં પણ ઠંડી વધી છે. શહેરી તથા ગ્રામીણજનો પણ ઠંડીમાં ધ્રૂજી ઊઠ્યા હતા. નલિયાવાસીઓએ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લીધો હતો.

હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 12 ડિ.સે., ડીસામાં 13 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 17 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 5 ડિ.સે., અમરેલીમાં 14 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે., રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top