ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય અને પૂર્વીય પવનની દિશાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. આગામી 24 કલાક માટે પોરબંદર અને કચ્છમાં કોલ્ડ વેવની ચેતવણી જાહેર કરી દેવાઈ છે. રાજયમાં ઠંડીનો પારો વધુ એક ડિગ્રી સુધી નીચે ગગડી જવા સાથે કાતિલ ઠંડીનો ચમકારો યથાવત રહેવા પામ્યો હતો. ગાંધીનગરમાં તો વહેલી સવારે શીત લહેરની અસર હેઠળ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છમાં કાતિલ ઠંડીની અસર વર્તાઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજયમાં પોરબંદર તથા કચ્છમાં કાતિલ ઠંડી અનુભવાઈ હતી. આજે દિવસ દરમિયાન રાજયમાં કચ્છના નલિયામાં ઠંડીનો પારો 6 ડિગ્રીએ પહોચી ગયો હતો. અમદાવાદ તથા ગાંધીનગર પણ કાતિલ ઠંડીની ચપેટમાં આવી ગયા હતા. બન્ને શહેરો પણ કાતિલ ઠંડીમાં ધ્રુજી રહ્યા છે. આગામી 23મી ડિસેમ્બર સુધી રાજયમાં ઠંડીનું મોજુ યથાવત રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 15 ડિ.સે., ડીસામાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે., વડોદરામાં 14 ડિ.સે., સુરતમાં 15 ડિ.સે., ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 6 ડિ.સે., કંડલા પોર્ટ પર 14 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 13 ડિ.સે., અમરેલીમાં 12 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે., રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 14 ડિ.સે., મહુવામાં 13 ડિ.સે., અને કેશોદમાં 11 ડિ.સે. લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.