ગાંધીનગર: દક્ષિણ રાજસ્થાન પર રહેલી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં આજે આકાશ વાદળછાયું ઉપરાંત વહેલી સવારે ગાઢ ધુમ્મસ પણ છવાયેલું જોવા મળ્યું હતું. શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં અચાનક વધારો થયો છે. આજે શનિવારે રાજ્યમાં ઠંડીનો પારો અચાનક 7 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. કચ્છના નલિયામાં કોલ્ડવેવની કાતિલ અસર જોવા મળી હતી. એટલું જ નહીં આજે નલિયામાં ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અન્ય શહેરો પૈકી ભૂજ, રાજકોટ અને કેશોદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો હતો.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં 24 કલાકની અંદર ઠંડીનો પારો 2થી3 ડિગ્રી સુધી નીચે ગગડી જશે. એટલે કે આગામી દિવસમાં કાતિલ ઠંડીની ચેતવણી ઈશ્યુ કરી દેવાઈ છે. હવે આગામી 24 કલાકમાં ગુજરાતનું વાતાવરણ ઝડપથી પલટો મારવા જઈ રહ્યું છે. આવતીકાલ 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી ઠંડી નોંધાય તેવી વકી રહેલી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન ૮ ડિગ્રી પહોંચી શકે છે.
આજે 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાત માવઠારૂપી મુસિબતમાંથી મુક્ત થઈ જશે. જેના બીજા દિવસ એટલે કે આવતીકાલ 29 ડિસેમ્બરથી ઠંડીનું જોર વધવાથી શિયાળો જામશે. કોલ્ડ વેવના કારણે 31 ડિસેમ્બર સુધી શિયાળાની સૌથી વધુ ઠંડી પડી શકે છે. રાજ્યમાં જ્યારે 5 થી 15 જાન્યુઆરી દરમિયાન રેકોર્ડ બ્રેક કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે. હવામાન વિભાગે હવે માવઠાની ચેતવણી હટાવી લીધી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદમાં 17 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 16 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિ.સે., વડોદરામાં 18 ડિ.સે., સુરતમાં 18 ડિ.સે., ભૂજમાં 10 ડિ.સે., નલિયામાં 4 ડિ.સે., કંડલા પોર્ટ પર 13 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 14 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે., રાજકોટમાં 10 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., મહુવામાં 16 ડિ.સે. અને કેશોદમાં 10 ડિ.સે. લઘુતમ તાપમાન નોંધાયું હતું.