સુરત-વલસાડ-નવસારી-તાપીઃ દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. વલસાડમાં સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. 11 ડિગ્રી તાપમાન સાથે વલસાડ ધ્રુજી ઉઠ્યું છે. નવસારી અને સુરત શહેર-જિલ્લા તથા તાપીમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થવા માંડ્યો છે.
- સુરતમાં સિઝનની ઠંડી જોરમાં: આગામી દિવસોમાં હવામાન વધુ ઠંડુ બનશે
- પાંચ દિવસમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી ગગડ્યુ
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વધુ ઠંડીની આગાહી
વલસાડમાં 11 ડિગ્રી પારો પહોંચતા ઠંડીથી થીજ્યું
વલસાડ: વલસાડમાં એક સપ્તાહ પહેલાં ઠંડીના ચમકારા બાદ ગત સપ્તાહે ઠંડી ગાયબ થઇ ગઇ હતી અને ગરમીની અનુભૂતિ થઇ હતી. ત્યારબાદ હવે રવિવારથી ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રવિવારે સાંજ થતાં જ વાતાવરણમાં ગુલાબી ઠંડીની અનુભૂતિ થઇ હતી. જ્યારે રાત પડતાની સાથે જ ઠંડી વધતી ગઇ હતી.
વલસાડમાં રવિવારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી થયું હતુ. જોકે, તેની અનુભૂતિ 24 ડિગ્રી જેવી હતી. બપોર દરમિયાન પણ ઠંડા પવનો ચાલ્યા હતા અને ઠંડી અનુભવાતી હતી. જ્યારે મોબાઇલ વેધર એપ્લિકેશન મુજબ વલસાડમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી જેટલું જોવા મળ્યું હતુ. સોમવારે સવારે તાપમાનનો પારો ગગડીને 11 ડિગ્રી પર પહોંચી જશે, એવું લાગી રહ્યું છે.
નવસારીમાં 3 દિવસમાં પારો 10 ડિગ્રી ઘટ્યો
રવિવારે નવસારીમાં એક જ દિવસમાં ઠંડીનો પારો વધુ ચાર ડિગ્રી ગગડતા તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું છે. જે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જયારે મહત્તમ તાપમાન પણ વધુ અડધો ડિગ્રી ગગડતા કકડાવતી ઠંડીનો અહેસાસ થયો હતો.
30મી નવેમ્બરે ઠંડીનો પારો 14.6 ડિગ્રી નોંધાયો હતો. પરંતુ ડિસેમ્બર મહિનો શરૂ થતાંની સાથે જ ઠંડીનો પારો 7 ડિગ્રી જેટલો વધીને 21.6 ડિગ્રીએ પહોંચતા ગરમીનો અહેસાસ થઇ રહ્યો હતો. જોકે વિતેલા શુક્રવારથી ઠંડીનો પારો ગગડવા લાગ્યો હતો. નવસારી ઠંડીનો પારો ગત 6ઠ્ઠીએ 1.6 ડિગ્રી, ગત 7મીએ 4.6 ડિગ્રી અને આજે 3.9 ડિગ્રી ગગડયો છે. જેથી 3 દિવસમાં ઠંડીનો પારો 10.1 ડિગ્રી ગગડતા નવસારીમાં કકડાવતી ઠંડી પડી હતી. તો બીજી તરફ 3 દિવસમાં મહત્તમ તાપમાન પણ 3 ડિગ્રી ગગડયો છે.
રવિવારે નવસારીમાં ઠંડીનો પારો વધુ 3.9 ડિગ્રી ગગડીને 11.5 ડિગ્રી નોંધાતા સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. જયારે મહત્તમ તાપમાન પણ વધુ 0.5 ડિગ્રી ગગડીને 30 ડિગ્રી નોંધાયું છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 27 ટકાએ રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન 2.1 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
સુરતમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ અને રાત નોંધાયા, રાતનું તાપમાન 15.8૮ ડિગ્રી
સુરત શહેરમાં ઠંડીનું જોર વધતા હવે શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ અને રાત રહી હતી. મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે તાપમાન સતત ઘટી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસના આંકડાઓ જોવામાં આવે તો મહત્તમ તાપમાનમાં 4.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 7.2 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે સવારે 6 કિમીની ઝડપે ફૂંકાતા ઉત્તરના પવન ઠંડકમાં વધારો કરવાના મુખ્ય કારણ બન્યા છે.
ઉત્તર ભારતમાં બરફવર્ષાના લીધે ઠંડી વધશે
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ભારે બરફવર્ષા થઈ રહી છે, જેના પ્રભાવથી દક્ષિણ ગુજરાતમાં તીવ્ર ઠંડીની અસર દેખાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં તાપમાન વધુ ઘટી શકે છે, અને લોકોને વધુ ઠંડી માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. જ્યાં સુરતની સોસાયટીઓમાં ગરમ કપડાં પહેરવા લોકોની અવરજવર વધી છે, ત્યાં બજારોમાં પણ ગરમ રસોઈ અને ચા-કોફી સહિતના સ્ટોલ પર રશ જોવા મળી રહ્યો છે.
તાપી જિલ્લામાં ખુશનુમા હવામાન
તાપી જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અહીં વ્યારા અને વાલોડમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે, જ્યારે સોનગઢ, ઉચ્છલ અને નિઝરમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્તમ તાપમાન 28થી 29 ડિગ્રી રહ્યું છે.