Gujarat

રાજ્યમાં ઠંડીનો ચમકારો, દાહોદમાં સૌથી વધુ ઠંડી સુરતમાં પણ પારો બે ડિગ્રી ઘટ્યો

ગાંધીનગર: ઉત્તર-પૂર્વીયથી પૂર્વીય પવનના કારણે ગુજરાતમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડી વધી જવા પામી છે. રાજ્યમાં પૂર્વીય દાહોદમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. જેમાં ખાસ કરીને દાહોદમાં સતત 12 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે.

અમદાવાદ- ગાંધીનગરમાં પણ બપોરે ગરમી અને સમી સાંજથી સવારે 9 વાગ્યા સુધી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠંડીનો ચમકારો યથાવત રહેશે, તેમ હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું હતું.

હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની અસર વધુ વર્તાઈ રહી છે. બુધવારે રાજ્યમાં ગરમીનો પારો 30થી 33 ડિ.સે.ની આસપાસ રહેવા પામ્યો હતો. જયારે રાજયના અન્ય શહેરો પૈકી ભૂજમાં 18 ડિ.સે., નલિયામાં 16 ડિ.સે., કંડલા પોર્ટ પર 19 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 16 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે., રાજકોટમાં 15 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 17 ડિ.સે., મહુવામાં 15 ડિ.સે., અમદાવાદમાં 15 ડિ.સે., ડીસામાં 17 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાયું છે.

સુરતમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું
સુરત: સુરત શહેરમાં હવે શિયાળાની ઠંડી ધીમે ધીમે પગપેસારો કરી ચૂકી છે. વહેલી સવારથી લઈને સાંજ સુધી હવામાં ઠંડકનો અહેસાસ વધી રહ્યો છે. શહેરમાં ગઈકાલે તાપમાનમાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો, પરંતુ બુધવારે ફરી લઘુત્તમ તાપમાન બે ડિગ્રી ઘટી 16.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સાથે જ મહત્તમ તાપમાનમાં પણ એક ડિગ્રીનો ઘટાડો થઈ 31.3 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શહેરમાં હવામાં 45 ટકાનો ભેજ નોંધાયો હતો, જ્યારે ઉત્તર પશ્ચિમ દિશામાંથી 4 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ પવનની ઠંડકથી શહેરમાં વહેલી સવારે અને સાંજે લોકોમાં ઠંડીનો અહેસાસ વધુ સ્પષ્ટ બન્યો છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાના મધ્ય ભાગ પછી ઠંડીનું જોર વધવાનું શરૂ થાય છે.

આગામી દિવસોમાં ઠંડી તીવ્ર બનશે
હાલના હવામાનના માહોલને જોતા લાગે છે કે આગામી દિવસોમાં ઠંડી હજી વધુ તીવ્ર બનવાની શક્યતા છે. શહેરના બગીચા, દરિયાકિનારા અને નદીકાંઠા વિસ્તારોમાં વહેલી સવારે ચાલવા જતાં લોકોને ઠંડી હવા સ્પષ્ટ અનુભવાઈ રહી છે.

હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર ભારત તરફથી આવતી ઠંડી પવનની અસર આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં વધુ સ્પષ્ટ દેખાશે. આથી સુરતમાં તાપમાનમાં હજી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top