અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો જામ્યો હોય તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 13.4 ડી.સે. નોંધાવા પામી છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 17.8 ડી.સે., ડીસામાં 14.4 ડી.સે., ગાંધીનગરમાં 16.9 ડી.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડી.સે., વડોદરામાં 15.2 ડી.સે., સુરતમાં 21.0 ડી.સે., ભુજમાં 16.7 ડી.સે., નલિયામાં 13.4 ડી.સે., અમરેલીમાં 17.0 ડી.સે., ભાવનગરમાં 18.1 ડી.સે., રાજકોટમાં 14.8 ડી.સે., અને સુરેન્દ્રનગરમાં 18.2 ડી.સે. તાપમાન નોંધાવા પામ્યું છે.
નવસારીમાં ગુલાબી ઠંડીનો અહેસાસ
નવસારી: નવસારીમાં ઠંડીનો પારો અડધો ડિગ્રી વધ્યો છે. જયારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડયું છે. જેથી નવસારીમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ગત 21મીએ નવસારીમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી નોંધાયા બાદ બે દિવસમાં ઠંડીનો પારો 3.1 ડિગ્રી ગગડીને 15 ડિગ્રીએ આવી પહોંચ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં વધારો થતાં ગુલાબી ઠંડી પડી હતી. પરંતુ ગત રોજ ઠંડીનો પારો એક ડિગ્રી વધ્યો હતો. જયારે આજે ઠંડીનો પારો વધુ અડધો ડિગ્રી વધ્યો છે. આમ તો દિવસ દરમિયાન સૂર્યદેવતાનો તાપ પડે છે. જેથી દિવસે ગરમી કે ઠંડી અનુભવાતી નથી. જોકે સૂર્યદેવતા આથમતાની સાથે જ ઠંડીનું પ્રમાણ વધી જાય છે. જેથી સાંજથી બીજા દિવસે સવાર દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે.
સોમવારે નવસારીમાં ઠંડીનો પારો 0.5 ડિગ્રી વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રી ગગડતા 31 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં 74 ટકા ભેજ જણાયો હતો. જે બપોરબાદ ઘટીને 37 ટકાએ રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 1.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.