Business

જોગ-સંજોગ

તારા જીજાજી ICUમાં છે, કમ સુન…. દીદીનો મેસેજ વાંચીને જય હલબલી ગયો. હજુ હમણાં તો સવારે વાત કરી હતી અને અચાનક શું થઈ ગયું ? એણે તરત દીદીને ફોન લગાવ્યો. તો દીદીના નણંદે ફોન ઉઠાવ્યો , જયશ્રી કૃષ્ણ કહેવાની ઔપચારિકતા બાજુ પર રાખીને એણે સીધું પૂછી લીધું જીજાજીને અચાનક શું થયું ?  પહેલાં તો સામેથી રડવાનો અવાજ આવ્યો. જયનો શ્વાસ અધ્ધર થઈ ગયો. એનાથી કહેવાય ગયું , બહેન તમે રડો નહીં પહેલાં મને કહો તો ખરા કે જીજાજીને શું થયું છે? તમે શાંત થઈ જાવ પ્લિઝ !  જયના કહેવાની અસર થઈ હોય તેમ સામેથી રડવાનો અવાજ બંધ થઈ ગયો. થોડું નાસ – ગળું સાફ કરવાનો અવાજ આવ્યો. જય ઈશ્વરને પ્રાર્થના કરતો હાથ હદ્દય પર રાખીને ઊભો રહ્યોં,  “બપોરે છાતીમાં બહુ દુખતું હતું તે પહેલાં સોડા પીવડાવી ને પછી થમ્સઅપ પણ લઈ આવ્યા છતાં કોઈ સુધારો ન થયો અને અચાનક મારો ભાઈ ઢળી પડ્યો .’’

આટલું સાંભળીને જયને ગભરાટ થઈ ગયો. “અત્યારે ICUમાં દાખલ કર્યા છે. કહે છે કે હાર્ટ એટેક છે! આટલું કહીને ફરીથી સામેથી રડવાનો અવાજ આવ્યો. “જુઓ તમે રડવાનું બંધ કરીને મને કહો જોઈએ કે ડોકટર શું કહે છે! “ડોકટર કહે છે ખતરો ટળી ગયો છે, પણ થોડા દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે.’’ હાશ જીજાજી બચી ગયા છે! જયના મનમાં પહેલો વિચાર આ આવ્યો. એણે મનોમન ગણતરી કરી.  કાલે એની ફલાઈટ છે અમેરિકાની અને આજે આ અણધારી મુસીબત આવી પડી. એવું તો ન હતું કે એ પહેલીવાર જતો હતો. પણ બે વર્ષથી દીકરી પરણીને અમેરિકા ગઈને તરત કોરોનાકાળ ચાલુ થયો એટલે દીકરીને માત્ર વિડિયો કોલ કરીને સંતોષ માન્યો છે.

થોડા મહિનાથી કોરોનાની પરિસ્થિતિ થાળે પડતી જણાય કે તરત વીરા રઢ લઈને બેઠી કે હવે અમેરિકા દીકરીને મળવા જવું છે. ઓફિસમાંથી રજા એડજસ્ટ કરીને બધુ ગોઠવ્યું અને અચાનક આમ જીજાજીની એટેક આવી ગયો. હવે કરવું શું ? ફલાઈટ કેન્સલ કરવાથી હવે તો પૈસા પણ પાછા ન મળે! અઢી લાખની ટિકિટ છે એમ કેમ કેન્સલ કરવી? ગજબ કશમકશમાં જય અટવાઇ ગયો. એક બાજુ દીકરી જમાઈ રાહ જોઈને બેઠાં છે, બીજી બાજુ બહેન બનેવી પ્રત્યેની જવાબદારી . વીરા પણ વિચારમાં પડી ગઈ કે શું કરવું ? અમેરિકા જવું કે ના જવું ? જાય તો દીદીને કેવું લાગશે? સમાજમાં પણ લોકો ટીકા કરશે કે સગો બનેવી ICUમાં છે ને એ લોકો અમેરિકા ભાગી ગયા?

“એક કામ કરીએ. આપણે કાલના બદલે આજે અમદાવાદ જવા નીકળી જઈએ. જીજાજી અને દીદીને મળી લઈએ. રાત ત્યાં જ રોકાઇ જઈએ. કાલે આપણી રાતની ફલાઈટ છે ને તો બપોરે જ અમદાવાદથી નીકળી જઈશું. અગર આપણી હાજરીથી પરિસ્થિતિમાં ફેર પડતો હોય તો ચોક્કસ આપણે જવાનું કેન્સલ કરીશું. “ જયે આખી પરિસ્થિતિનો ચિતાર સ્પષ્ટ કરી દીધો. વીરાને આ ઉકેલથી સંતોષ હતો. આપણાથી થાય તે કરવું બાકી હરિ ઈચ્છા. “પ્રીપેર ફોર વર્સ એન્ડ હોપ ફોર બેસ્ટ.’’

બસ આ પછી બન્ને ઘર બંધ કરવાની તૈયારીથી લઈને પાસપોર્ટ વિઝા સુધીનું બધું પેકિંગ કરવા મંડી પડ્યા . સમય ઓછો હતો વળી એક તૈયારી માટે એક દિવસનો ફરક પડી ગયો. તોય બપોરે ત્રણ વાગે મેસેજ મળ્યાં અને બે કલાક એટલે કે પાંચ વાગે તો બન્નેએ અમદાવાદ જવા ટ્રેન પકડી લીધી. સુપર ફાસ્ટ એક્સપ્રેસ હતી એટલે સાડા આઠે તો દીદીના ઘરે પહોંચી ગયા. સામાન મુકી ફ્રેશ થઈને સીધા હોસ્પિટલ ગયા.ત્યાં દીદીને મળ્યાં અને વારા ફરતી જીજાજીને ICUમાં જોઈ આવ્યા. ડોકટરને જય પર્સનલી મળવા ગયો અને ચોખ્ખું પૂછી લીધું,“હું US જાઉ કે નહીં?”

ડોકટરે બહુ ખેલદિલી જવાબ આપ્યો,“તમારી જગ્યા એ હું હોઉં તો મારે વિચારવું પડે કારણ કે હું ડોકટર છું. પણ તમે ડોક્ટર નથી એટલે તમારા રહેવાથી કશો ફરક નથી પડતો. તમ તમારે જાવ. તમારા જીજાજી આઉટ ઓફ ડેન્જર છે. એમને બસ બે ચાર દિવસ બીજા ટેસ્ટ કરી રજા આપી દેશું. એન્જોય યોર વેકેશન. તમે જે કરી શકો તમે તે કર્યું . એટલે ઉપડો અમે બેઠાં જ છીએ.’’ ડોકટરની પરમિશન મળી એટલે હવે દીદીની પરમિશન લેવાની હતી. દીદી આમ તો સ્વસ્થ હતા. બસ બધુ ઓચિંતું થઈ ગયું હતું એટલે થોડું ટેન્શન હતું . જયને મૂંઝવણ હતી કે કેમ કહેવું, ત્યાં દીદીએ જ એની મૂંઝવણ દૂર કરી દીધી. “તમારે કાલ રાતની ફલાઈટ છે ને?’’ જય અને વીરાની નજર મળી.  જી દીદી… જય બોલીને નીચે જોઈ ગયો. ત્યાં મામાનો ખબર પૂછવા ફોન આવ્યો એટલે દીદી એમાં બિઝી થઈ ગયા. સતત સગાં વહાલાઓની આવનજાવન, એમ જ રાત પડી ગઈ.

“તમે ઘરે જઈને જમી લો. રસોયણ આવે છે તેણે ખીચડી કઢી બનાવી રાખ્યા હશે.” દીદી એ ફોન પૂરો થયો એટલે બન્ને ને કહ્યું .  વીરા એ જય સામે જોઈને ઇશારો કર્યો પણ જયને સમજાયુ નહીં. એટલે વીરા જ બોલી, દીદી, તમે ઘરે આવો એટલે જમીએ. આમ પણ અહીં રાત તો જીજાજી પાસે રોકાવાની રજા નથી. ડોકટરે પણ તમને ઘરે જવા પરમિશન આપી છે તો આપણે ઘરે જતાં રહીએ અને જય અહીં રાત રોકાઇ જશે.” દીદીએ શરૂઆતમાં તો આનાકાની કરી પણ પછી જયની સમજાવટથી સહમત થઈ ગયા. વીરા અને દીદીને ઘરે છોડી, જમીને જય શાલ લઈ ICU બહાર વેઈટિંગ રૂમમાં સોફા પર બેઠો. હાઉસ ડોકટરને એણે જીજાજીના ખબર પૂછી લીધા અને જણાવી દીધું કે પોતે રાત અહીં જ રોકાયો છે. એટલે એમને પેશન્ટના ખબર આપતાં રહેજો.

રાત કોઈ બીજી તકલીફ વિના પૂરી થઈ ગઈ. સવારે દીદી વહેલા આવી ગયા. ડોકટર દસ વાગે રાઉન્ડ પર આવ્યા ત્યારે તેમણે પેશન્ટની હેલ્થમાં સુધારો છે તે જાણ કરી. બપોર સુધીમાં બીજા રિપોર્ટ આવી જશે એટલે પછી આગળની ટ્રીટમેન્ટ નક્કી થશે. બપોરના બાર વાગ્યા એટલે હવે વીરા ઊંચી નીચી થવા લાગી. ત્રણ વાગે મુંબઈની ફલાઈટ પકડવાની છે અને હજુ દીદીની રજા નથી લીધી. જય ઘરે દીદીને લઈને જમવા આવ્યો ત્યારે એક વાગ્યો હતો. બધાં જમવા બેઠાં પણ વીરાનું જમવામાં મન ન હતું. મન દીકરી પાસે પહોંચી ગયું હતું. હવે આજે રાતે ન જવાયું તો ક્યારે જવાશે એ શી ખબર! વીરાની આંખમાં આંસુ આવી ગયા. એણે કોઈનું ધ્યાન ન જાય એમ આંસુ દુપટ્ટાથી લૂછી નાંખ્યા.

જમીને બધા પરવારી ગયા ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે પેશન્ટના બધા રિપોર્ટ નોર્મલ છે. બસ હાર્ટ થોડું ઉંમરને કારણે નબળું પડ્યું છે તે દવાથી સારું થઈ જશે. આ ન્યુઝ સાંભળીને જય દીદીને ભેંટી પડ્યો. દીદી ના મોં પર સ્માઈલ આવ્યું. વીરા દોડીને રસોડામાંથી સાકર લઈ આવી, દીદી આ વાત પર મેોં મીઠું કરો. જીજાજી જલદી ઘરે આવી જશે. દીદી સ્નેહભરી નજરે વીરાને જોઈ રહ્યાં પછી સાકરનો એક ગાંગડો એમણે વીરાના મો માં મૂક્યો ,તું પણ દીકરીને મળવા જાય છે તો મોં મીઠું કર. અને જલદી કરો ફલાઈટ ચૂકી જશો તો હું મને માફ નહીં કરી શકુ’’

Most Popular

To Top