Comments

પ્રેમ જીત્યા વિના સહઅસ્તિત્વ શકય નથી

કોઈએ કલ્પના નહોતી કરી કે આવું બનશે. છઠ્ઠી ઓક્ટોબર ૧૯૭૩ના રોજ અનવર સાદતના નેતૃત્વમાં ઈજિપ્તે ઇઝરાયેલ પર હુમલો કર્યો એની બરાબર ૫૦મી વરસીના દિવસે ગાઝા સ્ટ્રીપમાં સક્રિય હમાસ નામના ત્રાસવાદી જૂથે ઇઝરાયેલ પર હુમલો કર્યો અને જગત જોતું રહી ગયું. મોટી સંખ્યામાં યહુદીઓને મારી નાખવામાં આવ્યા અને એટલી મોટી સંખ્યામાં યહુદીઓને બાન પકડવામાં આવ્યા છે. જેને બાન પકડવામાં આવ્યા છે તેમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે એમ અમેરિકન પ્રમુખ જો બાયડને કહ્યું છે.

હમાસ અને એ સમયના ઈજીપ્ત વચ્ચે કોઈ તુલના ન થઈ શકે. હમાસ ઈજીપ્તની તુલનામાં દસમા ભાગની પણ શક્તિ નથી ધરાવતું, પણ તેનો ઈરાદો ઇઝરાયેલના ઘમંડી વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુનું નાક કાપવાનો ઈરાદો હતો અને તેમાં તેને સફળતા મળી ગઈ છે. નેતાન્યાહુ જેવો સ્વઘોષિત કૃતસંકલ્પ નેતા, મોસ્સાદ જેવું વિશ્વનું શ્રેષ્ઠ ગુપ્તચરતંત્ર અને પેગાસસ જેવાં જાસૂસી માટે ઉપયોગી સ્પાઈવેર કામમાં ન આવ્યાં.

ભારત સરકારે વિરોધ પક્ષના નેતાઓ અને પત્રકારો પર જાસૂસી કરવા પેગાસસની ખરીદી કરી હતી. એમાં કોઈ શંકા નથી કે યુદ્ધમાં અંતિમ વિજય ઇઝરાયેલનો થવાનો છે. ઇઝરાયેલ પાસે હમાસ કરતાં અનેકગણી લશ્કરી શક્તિ છે. ઇઝરાયેલની પાછળ અમેરિકા અને બીજાં પાશ્ચાત્ય રાષ્ટ્રો છે. હમાસને કોઈ દેશનો સીધો ટેકો નથી. હમાસ આ જાણે છે, પણ હમાસનો હુમલો કરવા પાછળનો ઈરાદો ઇઝરાયેલને હરાવવાનો નહોતો, નાક કાપવાનો હતો. નેતાન્યાહુનું નાક કપાઈ ગયું અને હમાસનું કામ થઈ ગયું.

પણ એક પ્રશ્ન છે, બાન પકડવામાં આવેલા ઇઝરાયેલીઓ અને અમેરિકનોનો. અચાનક પેલેસ્ટાઇનના એક સિનિયર નેતા અને સંસદસભ્ય મુસ્તફા બારઘોટીએ હમાસ વતી આગળ આવીને ઓફર કરી છે કે જો ઇઝરાયેલની જેલમાં કેદ ભોગવતી પેલેસ્ટીની મહિલાઓને છોડવામાં આવે તો હમાસ બાન પકડવામાં આવેલા ઇઝરાયેલનાં નાગરિકોને સાટે આપવા તૈયાર છે અને બીજા તબક્કામાં જો ઇઝરાયેલ તમામ પેલેસ્ટીની પુરુષોને છોડવા તૈયાર હોય તો સાટામાં હમાસ બાન પકડવામાં આવેલા ઇઝરાયેલી સૈનિકોને છોડવા તૈયાર છે. હમાસના કબજામાં કેટલા ઇઝરાયેલીઓ અને અમેરિકનો છે અને ઇઝરાયેલની જેલમાં કેટલા પેલેસ્ટીનીઓ છે એ આપણે જાણતા નથી. એક વાત નક્કી છે કે લગભગ હજારેક યહુદીઓ હમાસના હુમલામાં માર્યા ગયા છે.

પોતે કે પોતાનાં લોકો મરે એનાથી ત્રાસવાદીઓને કોઈ ફરક પડતો નથી. ત્રાસવાદ આના ઉપર જ ટક્યો છે. જે મરે છે એ જન્નતના અધિકારી બને છે એમ તેઓ કહે છે. પણ જે દેશ પર હુમલો કરવામાં આવ્યો હોય ત્યાંના શાસકો પર તેની જરૂર અસર પડે છે અને જો કોઈ દેશ લોકશાહી ધરાવતો હોય તો ઘણી મોટી અસર થાય છે. નેતાન્યાહુ હબક ખાઈ ગયા છે, બાકી હમાસને તો ખબર જ છે કે હુમલાની તેણે કિંમત ચૂકવવી પડશે.

સમસ્યા એ છે કે ઇઝરાયેલમાં જડભરત યહુદીઓની એક જમાત છે. એમાં અનિવાસી યહુદીઓમાંથી તો કેટલાક હજુ વધુ જડભરત છે. અનિવાસી ભારતીયોની જેમ. તેમને એમ લાગે છે કે વતન ગુમાવ્યા પછી પણ જે પ્રજા યહુદી ધર્મને ટકાવી રાખે, ઇઝરાયેલી અસ્મિતા ટકાવી શકે, સદીઓ પછી વતન પાછું મેળવી શકે, દુશ્મનો વચ્ચે ઘેરાયેલું હોવા છતાં અસ્તિત્વ ટકાવી રાખી શકે, વિકાસ સાધી શકે, જગતને શસ્ત્રો વેચી શકે એ પ્રજા કેવી પ્રતાપી હશે! વાત તો સાચી, પણ એ પ્રતાપનો શ્રેય તેઓ તેમના પુરુષાર્થને નથી આપતાં, યહુદી હોવાપણાને આપે છે. આપણે જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ એટલે અજેય છીએ. આપણે ત્યાં પણ કહેવામાં આવે છે ને કે આપણે (માત્ર હિંદુ) જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ એટલે વિશ્વગુરુ છીએ.

આવા જડભરત યહુદીઓ સાવ હાંસિયામાં નથી અને પહેલાં પણ નહોતાં. એ લોકોએ ૧૯૯૫માં ઇઝરાયેલના વડા પ્રધાન યિત્ઝાક રેબીનની હત્યા કરી હતી, કારણ કે રેબીને પેલેસ્ટીની નેતા યાસર અરાફત સાથે ઓસ્લો સમજૂતી કરી હતી. ઓસ્લો સમજૂતી માટે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા રેબીનને જડભરત યહુદીઓએ દેશદ્રોહી જાહેર કર્યા હતા અને દેશદ્રોહીની તો હત્યા જ કરવાની હોય. એમાં બન્યું છે એવું કે અત્યારે નેતાન્યાહુની સરકાર લઘુમતીમાં છે એટલે દરેક અર્થમાં ગામના ઉતાર જેવો, પણ પોતાને સવાયો દેશપ્રેમી તરીકે ઓળખાવનારો ઝનૂનીઓનો ઝનૂની ઇતમાર બેન-ગ્વીરનો ટેકો લેવો પડે છે અને પેલો નચાવે છે.

આ બાજુ નેતામ્યાહુ પણ ઝેર ઓકવામાં અને બાવડાનું પ્રદર્શન કરવામાં ગ્વીરને પાછળ રાખી શકે એમ છે. ટૂંકમાં ઝનૂની લોબીને કારણે અને અનિવાસી ઝનૂની યહુદીઓ તેમને ધન મોકલતા હોવાને કારણે આરબ-ઇઝરાયેલ સહ અસ્તિત્વ શક્ય બનતું નથી. ધર્મઝનૂની ઇઝરાયેલીઓ કહે છે કે પેલેસ્ટાઇનમાં એક જ રાષ્ટ્રીયતા છે અને તે યહુદીઓની, કારણ કે તે ઇસ્લામ પૂર્વેની પ્રાચીન છે. ઇઝરાયેલી યહુદીઓ અને પેલેસ્ટીની મુસલમાનો એમ બે રાષ્ટ્રીયતા છે અને એ બે રાષ્ટ્રીયતાએ એકબીજાનો સ્વીકાર કરવો જોઈએ એમ દ્વિરાષ્ટ્ર થીયરીના પ્રવક્તાઓ કહે છે. તેઓ સમજુતી ઈચ્છે છે.

એડવર્ડ સિદ નામના વિશ્વવિખ્યાત વિચારકે કહ્યું હતું કે પેલેસ્ટાઇનમાં એક માત્ર આરબ નામની વાંશિક (એથનિક) રાષ્ટ્રીયતા છે જે યહુદીઓ અને ઇસ્લામ એમ બે ધર્મમાં વહેંચાયેલી છે, જેમ ભારતમાં ભારતીયતા એ રાષ્ટ્રીયતા છે જેમાં અનેક ધર્મોને માનનારા લોકો રહે છે. ગાંધીજીએ પણ આ જ સલાહ આપી હતી. પ્રેમ જીત્યા વિના સહઅસ્તિત્વ શક્ય નથી. દાદાગીરી કરીને કોઈ પ્રજા કાયમ માટે સુખેથી ન જીવી શકે પછી ભલે એ ગમે તેટલી બળુકી હોય. પણ ઝનૂનીઓ સ્થિતિ થાળે પાડવા દેતા નથી અને હવે તો ઝનૂનીઓ રાજ કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top