ભરૂચ-નવી દિલ્હી : અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાતા ખળભળાટ ફેલાઈ ગયો છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે રવિવારે એક સંયુક્ત સર્ચ ઓપરેશનમાં હાથ ધરીને 5,000 કરોડ રૂપિયાની કિંમત ધરાવતું 518 કિલો કોકેઈન જપ્ત કર્યું છે. દિલ્હીમાંથી પહેલી ઓક્ટોબરે ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાના તાર અંકલેશ્વર સુધી જોડાયેલા હોવાનું દિલ્હી પોલીસની તપાસમાં બહાર આવ્યા પછી આ જથ્થો ઝડપાયો હતો.
- અંકલેશ્વરની ફાર્માસ્યુટીકલ કંપનીમાં સર્ચ ઓપરેશન દરમિયાન 518 કિગ્રા કોકેઇનનો જથ્થો કબજે લેવાયો
- દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવાતા ચકચાર
- દિલ્હીમાં 1 ઓક્ટોબરે દિલ્હીમાંથી ઝડપાયેલા 562 કિગ્રા કોકેઇનના જથ્થાના તાર અંકેશ્વર સાથે જોડાયેલા નીકળ્યા
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કે, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે ગુજરાતના અંકલેશ્વરમાં ફાર્માસ્યુટિકલ કંપની આવકાર ફાર્મામાં સર્ચ દરમિયાન 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા થાય છે.
દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યું હતું. આ અગાઉ પણ અંકલેશ્વરમાંથી અનેકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં ડ્રગ્સનો મોટો ઝડપાતા આવા રેકેટનું કેન્દ્રબિંદુ બની ગયું હોય એમ લાગે છે. આ મામલે દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવાના માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પહેલી ઓક્ટોબરે દિલ્હીના મહિપાલપુર સ્થિત એક વેરહાઉસમાં રેડ કરીને ત્યાંથી 562 કિલો કોકેઇન અને 40 કિલો હાઇડ્રોપોનિક મારીજુઆનાનો જથ્થો ઝડપ્યો હતો. તેની તપાસમાં પછી 10મી ઓક્ટોબરે રાજધાનીના રમેશ નગરની એક દુકાનમાંથી વધરાનો 208 કિલો કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે વધુ તપાસ કરવામાં આવતા દિલ્હી પોલીસને એવી માહિતી મળી હતી કે આ ડ્રગ્સ એક કંપનીની છે જેણે તેને અંકલેશ્વર સ્થિત ફાર્માસ્યુટિકલ ફર્મ પાસેથી મેળવી હતી.