Gujarat

પોરબંદર કોસ્ટગાર્ડ જેટીની માહિતી પાકિસ્તાન પહોંચાડતા પાકિસ્તાની જાસૂસની ધરપકડ

ગાંધીનગર: પોરબંદરમાંથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતીઓ તેમજ ભારતીય સેના અને કોસ્ટ ગાર્ડની માહિતીઓ પાકિસ્તાની એજન્ટને મોકલનાર એક જાસૂસની ગુજરાત એટીએસની ટીમે ધરપકડ કરી છે. ગુજરાત એટીએસના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે પોરબંદરમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ વ્યક્તિ પાકિસ્તાની આર્મી કે જાસુસી સંસ્થા આઈએસઆઈના કોઈક અધિકારી કે એજન્ટ સાથે સંપર્કમાં છે અને પોરબંદર કોસ્ટકાર્ડ, જેટી તથા જેટી ઉપરની ભારતીય કોસ્ટ ગાર્ડની બોટો અંગેની સંવેદનશીલ માહિતી પોતાના મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયાથી મોકલી આપીને આર્થિક નાણાકીય લાભ મેળવી રહ્યો છે.

આ હકીકતના આધારે ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પરમારના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર આર.આર. ગરચરની ટીમે તપાસ હાથ ધરતા પોરબંદરના કે.કે. નગર લાલાભાઇ ઘંટીવાળાની બાજુની શેરી બોખીરામાં રહેતા પંકજ દિનેશભાઈ કોટિયાની ધરપકડ કરી હતી. પંકજ કોટિયાએ કબૂલ્યું હતું કે તેઓ તમાકુ પેકિંગનું કામકાજ કરે છે અને છેલ્લા એકાદ વર્ષથી પોરબંદર જેટી ઉપર કોસ્ટગાર્ડની સીટ ઉપર વેલ્ડીંગ તથા અન્ય પરચુરણ મજૂરી કામ માટે હેલ્પર તરીકે કામ કરવા જાય છે. આઠેક મહિના પહેલા તેઓ રિયા નામ ધરાવતી એક ફેસબુક પ્રોફાઈલના સંપર્કમાં આવ્યા હતા અને પોતે મુંબઈની એક મહિલા હોવાનું તેમજ પાકિસ્તાનની નેવી માટે કામ કરતી હોવાનું જણાવી, આ રિયા ફેસબુક પ્રોફાઈલ ધારક પંકજ કોટિયા સાથે વોટ્સએપના માધ્યમથી સંપર્ક કરી પૈસાની લાલચ આપી, પોરબંદર જેટી ઉપર કોસ્ટગાર્ડના શીપના લોકેશન સહિતની માહિતીઓ મંગાવતી હતી.

પંકજ કોટિયા છેલ્લા આઠેક મહિનાથી પોરબંદર જેટી ઉપર હાજર હોય તેવી કોસ્ટગાર્ડની શીપના નામ વગેરે લખી વોટ્સએપના માધ્યમથી રિયાને મોકલી આપતો હતો. આ માહિતી મેળવવા બદલ ફેબ્રુઆરી 2024 સુધીમાં રિયા નામની મહિલાએ 26000 રૂપિયા પંકજ કોટિયાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ રિયા નામની મહિલાનું વોટ્સએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકારની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં એજન્ટને મોકલવી રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સલામતી માટે જોખમરૂપ સાબિત થતાં પંકજ કોટિયાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

Most Popular

To Top