Business

ગ્રેટેસ્ટ ઓલિમ્પિયન્સ તૈયાર કરતાં કોચ…

લિમ્પિક ખેલાડીઓ જે રીતે ઊંચાઈ આંબે છે તેમાં ઘણી ખરી ભૂમિકા કોચની હોય છે. શ્રેષ્ઠ કોચિંગ ન મળે તો ખેલાડી મૅડલ જીતવા સુધી પહોંચતાં નથી. સુવિધા અને સંસાધનો સાથે મૅડલ મેળવવામાં અગત્યનું ફેક્ટર કોચિંગ છે. અને એટલે જ ‘ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ’એ પણ ગ્રેટ કોચિંગની દસ ક્વોલિટીઝને બયાન કરતું એક લખાણ વેબસાઇટ પર મૂક્યું છે. ભારત તરફથી ટોક્યોમાં પ્રથમ મૅડલ મેળવનાર મીરાબાઈ ચાનુના કિસ્સામાં તે ભૂમિકા વિજય શર્માએ નિભાવી છે. વિજય શર્મા છેલ્લા પાંચ વર્ષથી મીરાબાઈને કોચિંગ આપી રહ્યાં છે. કોચિંગનું મહત્વ સ્પોર્ટ્સમાં સર્વોપરી રહ્યું છે. ઓલિમ્પિકસમાં કોચની ભૂમિકા માત્ર રમત શીખવવા પૂરતી મર્યાદીત રહેતી નથી, બલકે તેણે માર્ગદર્શક, સ્પોર્ટ્સ સાઇકોલોજીસ્ટ અને એક મેનેજર સુદ્ધાની ભૂમિકા અદા કરવાની હોય છે.

ગ્રેટ પ્લેયર્સના કોચિંગ વિશે વાત કરીએ ત્યારે તેમાં અત્યાર સુધી ઓલિમ્પિકસ ઇતિહાસમાં સૌથી વધુ મૅડલ જીતનારા માઇકલ ફ્લેપ્સના કોચ બોબ બૉમેનનું નામ પ્રથમ લેવું પડે. હાલ તેઓ અમેરિકાના એરિઝોના સ્ટેટના સ્વિમિંગ કોચ છે, પણ ફ્લેપ્સના ઉગતા કાળમાં બૉબ બૉમેન તેમના કોચ રહી ચૂક્યા છે. માઇકલ ફ્લેપ્સને ‘ઑલ ટાઇમ ગ્રેટ ઓલિમ્પિયન’ તરીકે ઘડવામાં બૉબ બૉવમેનની ભૂમિકા અગત્યની રહી છે. બૉબે આ કેવી રીતે કર્યું તે માટે તેમણે ‘ધ ગોલ્ડન રુલ્સ’ નામનું એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં જીવન-કાર્ય દ્વારા વિશ્વસ્તરના પર્ફોમન્સ સુધી કેવી રીતે પહોંચી શકાય તેવાં કેટલાંક નિયમો દર્શાવ્યા છે. તેમાં ત્રણ મુખ્ય છે : માનસિક મજબૂતાઈ, મોટા સપનાં જોવા અને દબાણ હેઠળનું પ્રદર્શન.

બૉબ પુસ્તકમાં લખે છે ‘જ્યારે પણ તમે મોટા ધ્યેય રાખીને સપનાં જુઓ છો ત્યારે તે તમારા માટે ખૂબ આનંદની વાત બને છે. તમે એવી કલ્પના કરો કે તમે પાણીમાં દમદાર પર્ફોમન્સ આપી રહ્યા છો, અન્યોથી અનેક ગણી ગતિમાં સ્વિમિંગ કરી રહ્યા છો, તે ખરેખર આનંદદાયી છે.’ તેઓ કહે છે ‘જ્યારે તમે આવું મોટું ધ્યેય અચિવ કરતાં માંગતા હોય તો એક ક્ષણ માટે પણ તમે તમારા ફોકસથી ધ્યાન હટવું ન જોઈએ.’ તેઓએ પુસ્તકના એક ચેપ્ટરને નામ ‘સક્સેસ હેપન્સ ઇન ધ ડાર્ક’ આપ્યું છે. આ ચેપ્ટરમાં તેઓ લખે છે, ‘આપણે ઝગમગતી લાઇટ, રેકોર્ડ બુક્સ, પોડિયમ અને સન્માન પાછળ ભાગીએ છીએ. પરંતુ આ બધાં જ પરિણામ પાછળ તનતોડ મહેનત છે જે અંધકારભરી ટ્રેઇનિંગથી શરૂ થાય છે’ અને સ્વિમિંગનો દાખલો આપતાં કહે છે તે માટે તમારે મહિનાઓ અને વર્ષોના વર્ષો કંટાળ્યા વિના સ્વિમિંગ કરવાનું થાય છે.

‘ધ ગોલ્ડન રૂલ્સ’માં તેમણે આવી અનેક ગુરુચાવીઓ આપી છે, જેનાથી ખેલાડી થાક્યા, હાર્યા કે કંટાળ્યા વિના પ્રેક્ટિસ સેશન અવિરત રાખી શકે. અને એટલે જ તેઓએ લખ્યું છે કે ‘માસ્ટર ધ પ્રોસેસ, ધ રિઝલ્ટ વિલ કમ’. આવાં અનેક સજેશન સાથે બૉબ આજે પણ અમેરિકાના હજારો સ્વિમર્સને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

ફ્લેપ્સની જેમ જ વર્તમાન યુગનો ગ્રેટેસ્ટ એથ્લેટીક ઉસેન બોલ્ટ છે. જમૈકાનો આ દોડવીર અકલ્પનીય રીતે દોડે છે. તેના નામે ઓલિમ્પિકમાં આઠ ગોલ્ડ મેડલ દર્જ છે. 100, 200 અને 400 મીટર રીલેમાં તેનો રેકોર્ડ હજુય અકબંધ છે. ઉસેન રિટાયર્ડ થઈ ચૂક્યા છે પણ તેનો રેકોર્ડ આજે પણ તેની હાજરી પુરાવે છે. ‘ગ્રેટેસ્ટ સ્પ્રિન્ટર ઑફ ઓલ ટાઇમ’નું બિરુદ મેળવનાર ઉસેન બોલ્ટ ગ્લેન મિલ્સ રહ્યા છે. જમૈનાના ઓલિમ્પિક હેડ કોચ તરીકે ગ્લેન મિલ્સે ત્રણ દાયકા સુધી જવાબદારી નિભાવી છે અને તેમના હાથ નીચે ઉસેન બોલ્ટ, રે સ્ટિવર્ટ અને કિમ કોલિન્સ જેવાં દમદાર ખેલાડી ઊભર્યા છે.

ગ્લેન મિલ્સે વર્લ્ડ ક્લાસ પર્ફોમન્સ અર્થે એક વિશેષ ટ્રેઇનિંગ કાર્યક્રમ ઘડ્યો છે અને તે આધારે તેઓ ખેલાડીઓને ટ્રેઇનિંગ કરાવે છે. આ વિશેષ ટ્રેઇનિંગના જોરે જ તેઓ અત્યાર સુધી પોતાના દેશને 33 ઓલિમ્પિક મેડલ્સ અને 71 વર્લ્ડ ચેમ્પિયનશીપ અપાવી શક્યા છે. આ વિશેષ ટ્રેઇનિંગ કાર્યક્રમ શું છે તે જાણીએ. ગ્લેને કાર્યક્રમમાં ત્રણ દિવસ અતિ કપરી ટ્રેઇનિંગના રાખ્યા છે. તે પછીના બે દિવસ એથ્લેટિક ફ્લેક્સિબિલિટી, રીકવરી અને વેઇટ લૉસ પર કાર્ય કરે છે. ‘લૉન્ગ ટુ શૉર્ટ પ્લાન’ને અનુસરીને બે દિવસ અઠવાડિયામાં આરામના તેઓ આપે છે,

જે દિવસોમાં મસાજનું સેશન હોય છે. ઉસેન બોલ્ટ જ્યારે ગ્લેનના હાથ નીચે ટ્રેઇનિંગ અર્થે આવ્યા ત્યારે બોલ્ટનું પર્ફોમન્સ ખૂબ નબળું હતું. ઉપરાંત બોલ્ટની ટેકનિક પણ યોગ્ય નહોતી. ઇજા પણ તેની રમત બગાડી રહી હતી. આમ બોલ્ટ બધી બાજુએથી પરેશાન હતા. આ કિસ્સામાં પાયાથી કામ કરવાનું હતું અને તે માટે ગ્લેને ‘નાના સ્ટેપ લઈને મોટું પરિણામ મેળવવાની’ ટેકનિક અપનાવી. ગ્લેન માને છે કે શરીરનું અયોગ્ય સંતુલન ગંભીર ઇજા લાવે છે અને તેથી જ સૌપ્રથમ બોલ્ટનાં પોશ્ચર પર કામ કર્યું અને તેમાં પણ થાપાના ભાગમાં વધુ ફ્લેક્સિબિલિટી માટે, જેથી બોલ્ટનું ઉપરનું શરીર વધુ સંતુલિત અને મજબૂત બન્યું.

ઉસેન ગ્લેન વિશે કહે છે કે, ‘તેઓએ મને ગ્રેટ એથ્લેટિકમાં જ સ્થાન અપાવ્યું તેવું નથી, બલકે મને બહેતર વ્યક્તિ પણ બનાવ્યો. ઘણી વાર કોચિંગ યંત્રવત્ થાય છે પણ ગ્લેનની ટેકનિક વેગળી છે. અને ઉપરાંત ગ્લેન એવું માને છે કે કોચ માત્ર રમત પૂરતો મર્યાદિત નથી, બલકે તે એથ્લીટના જીવનના દરેક પાસાંમાં ઇન્વોલ્વડ હોય છે.’ આ સિવાય પણ અનેક બાબતો એવી છે જે કારણે ગ્લેન જમૈકાના અેથ્લીટસ વર્લ્ડ ક્લાસ બનાવી શક્યા છે.

કોચિંગમાં આવું જ એક નામ છે ગ્રેગ ટ્રોયનું. તેઓ અમેરિકાના સ્વિમિંગ ટીમના કોચ રહી ચૂક્યા છે. 1996થી 2008 સુધી તેઓ અમેરિકાના ઓલિમ્પિક મેન્સ સ્વિમ ટીમના આસિસ્ટન્ટ કોચ રહ્યા. 2012માં લંડન ઓલિમ્પિક દરમિયાન તેઓએ હેડ કોચની ભૂમિકામાં રહ્યા. ગ્રેગ પોતાની અનોખી કોચિંગ સ્ટાઇલથી અમેરિકામાં વિખ્યાત થયા છે અને તેમની કોચિંગ સ્ટાઇલ વધુ લોકો સુધી પહોંચાડવા ‘ઇટ્સ નેવર ઇઝી’ નામનું પુસ્તક પણ તેમણે લખ્યું છે. અમેરિકામાં અને પશ્ચિમી દેશોમાં સ્વિમિંગ ખૂબ કોમ્પિટિવ સ્પોર્ટસ છે.

આ ગળાકાપ સ્પર્ધા વચ્ચે ટકવું અને અવ્વલ આવવા માટે ગ્રેગ જે કેટલીક બાબતો પર ફોકસ કરવાનું કહે છે તેમાં જે-તે ગેમ વિશેનું પૂરતું જ્ઞાન. ગ્રેગે ખેલાડીઓની પોતાની આગવી ટેકનિક વિશે ઘણું કાર્ય કર્યું છે. તમામ સ્વિમર્સ એકબીજાથી અલગ છે અને તેમના ટ્રેઇનિંગ સેશન્સ પણ એ જ રીતે ઘડવા જોઈએ તેવું ગ્રેગ માને છે. કોચમાં આવું જ ખ્યાતિ ધરાવતું નામ ડેવ બ્રેઇલ્સફોર્ડનું છે. તેઓ બ્રિટિશ સાઇકલિંગ કોચ છે અને તેઓએ પોતાના કાર્યકાળમાં બ્રિટિશ ટીમ પાસે શ્રેષ્ઠ પર્ફોમન્સ અપાવી શક્યા છે. તેઓ અન્ય કોચથી વેગળા છે તેનું એક કારણ તેમની ‘માર્જિનલ ગેઇન્સ’ ટેકનિક છે. આ ટેકનિકથી તેઓ ધીરે ધીરે આગળ વધવામાં માને છે.

આ ટેકનિકનો સિદ્ધાંત છે કે તમે બધી જ રીતે જ્યારે પડી ભાંગો ત્યારે એક એક ડગ માંડીને આગળ વધો અને જ્યારે તેનું તમે પૂરું ચિત્ર જુઓ તો તમે તમારા પ્રયાસમાં ખાસ્સા આગળ વધી ચૂક્યા હશો. આટલું જ નહીં પણ તેઓ ખેલાડીને રાત્રે કેવી રીતે આરામ મળે તેનું પણ ધ્યાન રાખે છે અને તે માટે કયા ગાદલાં કે ઓશિકા ઉપયોગમાં લઈ શકાય તેમાં પણ સંશોધન કર્યું છે.આ જ રીતે ચીનના જીહોન્ગ ઝાઉ(Jihong Zhou)નું નામ પણ કોચ તરીકે વિશ્વમાં લેવાય છે. જીહોન્ગ ઝાઉ કારકિર્દી ડાઇવર તરીકે આરંભાઈ અને પછી તેમણે પછીથી પૂરા ચીનના ડાઇવર્સને કોચિંગ આપવાનું આરંભ્યું. તેઓ ડાઇવર્સને ખૂબ વહેલી ઉંમરે પસંદ કરી લે છે અને પછી તેના પર કામ કરે છે. મૂળે વાત ઓલિમ્પિક્સના કોચિંગના ફંડાથી આપણાં જીવનનો પાઠ લેવાનો છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ ધ્યેય નિર્ધારીત કરીએ છીએ પછી તેના પાછળની શિસ્તથી અનુસરતાં નથી. ઓલિમ્પિક કે અન્ય સ્પોર્ટ્સમાં સૌથી પહેલાં શિસ્ત આવે છે અને પછી આકરી મહેનત. આ નિયમ સર્વત્ર લાગુ પડે છે અને આ ગ્રેટેસ્ટ કોચના ફન્ડા જાણીને તે સાબિત પણ થાય છે.

Most Popular

To Top