પૂણેઃ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને બેંગ્લોરમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. કાર અકસ્માત બાદ જ્યાં તેને ઈજા થઈ હતી તે જ જગ્યાએ તેને મેચ દરમિયાન બોલ વાગ્યો હતો. બોલ પંતના જમણા પગના ઘૂંટણમાં વાગ્યો હતો. ઈજા બાદ પંત ખૂબ જ પીડામાં જોવા મળ્યો હતો અને વિકેટકીપિંગ માટે આવ્યો ન હતો. જોકે, તે ભારતની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 99 રન બનાવ્યા હતા.
હવે મીડિયા રિપોર્ટ્સમાં એવો ઘટસ્ફોટ કરાયો હતો કે પંત પુણે ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. એક અહેવાલ મુજબ પસંદગીકારોએ મેચ પહેલા પંત અંગે નિર્ણય લેવાની જવાબદારી ટીમ મેનેજમેન્ટ પર છોડી દીધી હતી. ધ્રુવ જુરેલે બેંગલુરુમાં પંતની ગેરહાજરીમાં વિકેટ કીપિંગ કર્યું હતું. જો પંતને આરામ આપવામાં આવે તો જુરેને તક મળી શકે છે. આ સમાચારના પગલે ચાહકો ચિંતામાં સરી પડ્યા હતા. જોકે, હવે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે ચાહકોને રાહત આપતી માહિતી જાહેર કરી છે.
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ફિટનેસને લઈને મોટી માહિતી આપી છે. પ્રશંસકોને મોટી રાહત આપતા ગંભીરે કહ્યું કે વિકેટકીપર બેટ્સમેન પંત ફિટ છે અને તે પુણે ટેસ્ટમાં રમવા માટે તૈયાર છે.
ગંભીરે બીજી ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પંત સંપૂર્ણ રીતે ફિટ છે. તે પૂણેમાં રમાનારી બીજી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે. આ સાથે જ પંતની ફિટનેસને લઈને ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. પંતે ગઈકાલે મંગળવારે પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો અને થોડો સમય વિકેટ કીપિંગની પ્રેક્ટિસ પણ કરી હતી. તેનું પુનરાગમન ભારત માટે મહત્વપૂર્ણ છે કારણ કે ટીમ ત્રણ મેચની શ્રેણીમાં પહેલાથી જ 0-1થી પાછળ છે.
પંતે બીજી ઈનિંગમાં 99 રન ફટકાર્યા હતા
પંતે ભારતની બીજી ઇનિંગમાં 105 બોલમાં 99 રન ફટકારીને મેચમાં ટીમ માટે જોરદાર વાપસી કરી હતી. ભારતે બીજા દાવમાં 462 રન બનાવ્યા હતા. તેમણે બેંગલુરુના દર્શકોનો તેમના સમર્થન માટે આભાર માન્યો. શ્રેણીની બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે.
પહેલી ટેસ્ટ હાર્યા બાદ પંતે એક્સ પર પોસ્ટ લખી હતી
આ અગાઉ રવિવારે અહીં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. 36 વર્ષમાં ભારતમાં ન્યૂઝીલેન્ડની આ પ્રથમ ટેસ્ટ જીત હતી. પંતે ‘X’ પર લખ્યું, ‘આ રમત તમારી ક્ષમતાઓનો ટેસ્ટ લેશે, તમને નીચે પછાડી દેશે, તમને ઉપર ઉઠાવશે અને તમને ફરીથી પાછળ ફેંકશે. પરંતુ જેઓ તેને પ્રેમ કરે છે તેઓ દરેક વખતે વધુ મજબૂત બને છે. પ્રેમ, સમર્થન અને પ્રોત્સાહન માટે બેંગલુરુના અદ્ભુત ચાહકોનો આભાર. અમે મજબૂત રીતે પાછા ફરીશું.