બુધવારે (26 નવેમ્બર) ગુવાહાટી ટેસ્ટમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી હારનો સામનો કરવો પડ્યો, જે રનની દ્રષ્ટિએ સૌથી મોટો ટેસ્ટ પરાજય હતો. આ હારના પરિણામે ભારતનો ઘરઆંગણે 0-2થી વ્હાઇટવોશ થયો અને 25 વર્ષ પછી દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે પ્રથમ શ્રેણી પરાજય થયો. ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે 0-3થી હાર બાદ આ ભારતનો બીજો ઘરઆંગણે શ્રેણી વ્હાઇટવોશ હતો. આ હારથી ગૌતમ ગંભીરના મુખ્ય કોચ તરીકેના પ્રદર્શન પર પ્રશ્નો ઉભા થયા છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર બુધવારે (26 નવેમ્બર) આફ્રિકન ટીમ સામે ટીમના પરાજય બાદ ખૂબ જ નિરાશ દેખાયા હતા. ગંભીરે કહ્યું કે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ પછી બીસીસીઆઈએ તેમના ભવિષ્યનો નિર્ણય લેવો પડશે. જોકે, તેમણે એ પણ યાદ અપાવ્યું કે ટીમે તેમના કાર્યકાળ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ સફળતાઓ મેળવી છે.
ગુવાહાટીમાં 408 રનથી કારમી હાર બાદ ગંભીર મીડિયા સાથે વાત કરતા કહ્યું, ” મારું ભવિષ્ય બીસીસીઆઈ નક્કી કરશે પરંતુ હું એ જ વ્યક્તિ છું જેણે તમને ઇંગ્લેન્ડમાં પરિણામો અપાવ્યા અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી.” ગંભીરે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં 2-2 શ્રેણી ડ્રો અને ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલનો ઉલ્લેખ કરતા કહ્યું.
તેણે સ્વીકાર્યું, “દરેક વ્યક્તિ જવાબદાર છે અને તેની શરૂઆત મારાથી થાય છે. આપણે વધુ સારું રમવું પડશે. 95/1 થી 122/7 સુધી જવું અસ્વીકાર્ય છે. તમે કોઈ એક ખેલાડીને, કોઈ એક શોટને દોષી ઠેરવી શકતા નથી, દરેક વ્યક્તિ દોષિત છે. મેં ક્યારેય કોઈને વ્યક્તિગત રીતે દોષ આપ્યો નથી અને ભવિષ્યમાં પણ નહીં.”
ગંભીરના કાર્યકાળમાં ભારત 10 ટેસ્ટ હાર્યું
ગંભીરના કોચિંગમાં ભારતે 18 માંથી 10 ટેસ્ટ મેચ ગુમાવી છે, જેમાં ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે બે વ્હાઇટવોશ અને હવે દક્ષિણ આફ્રિકા સામેનો વ્હાઇટવોશનો સમાવેશ થાય છે. ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામેનો પરાજય ભારતનો રનથી સૌથી મોટો ટેસ્ટ પરાજય રહ્યો છે. તાજેતરમાં, ગંભીર ટીમમાં વારંવાર ફેરફાર કરવા અને ટેસ્ટ ક્રિકેટમાં નિષ્ણાત ખેલાડીઓને બદલે ઓલરાઉન્ડરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા બદલ ટીકાનો સામનો કરી રહ્યા છે.