નવસારી : કબીલપોર(Kabilpore) ગામે સરકારી તળાવમાંથી ટેન્ડરીંગ કરી માટી ઉલેચવાના કામમાં ઇજારદારને લાભ અપાવી ગ્રામપંચાયત(Gram Panchayat)ને આર્થિક નુકસાન પહોચાડનારા સામે કાર્યવાહી કરવાની ફરિયાદ બાબતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવી તપાસ સોંપી હતી. પરંતુ હજી સુધી પાલિકાના ચીફ ઓફિસરને પત્ર મળ્યો જ નથી તે વાત નવાઈ પામવા જેવી છે.
- કબીલપોર ગામે સરકારી તળાવમાંથી માટી ઉલેચી નાણાંકીય ઉચાપત કરી ગ્રામપંચાયતને આર્થિક નુકસાન પહોચાડ્યું હોવા બાબતે ફરિયાદ થઇ હતી
- કાર્યવાહીની ફરિયાદ બાબતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ ચીફ ઓફિસરને પત્ર પાઠવી તપાસ સોંપી હતી
નવસારી જિલ્લામાં જિલ્લા કલેક્ટર જિલ્લાના વડા તરીકે ગણાય છે. જિલ્લામાં કોઈપણ નાગરિક કોઈપણ વિભાગને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદ જિલ્લા કલેક્ટરને કરતા હોય છે. એટલું જ નહીં રાજ્ય સરકાર સુધી પોતાની સમસ્યા કે રજુઆત કરવા માટે પણ જિલ્લા કલેક્ટર મારફત કરતા હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જિલ્લાના જે તે વિભાગને લગતી સમસ્યા કે ફરિયાદ બાબતે તપાસ/કાર્યવાહી કરવા માટે પત્ર પાઠવવામાં આવે છે.
તળાવ ઊંડું કરવા તથા માટી ખોદવા માટેનાં સોપ્યું હતું કામ
કબીલપોર ગામે સરકારી તળાવ ઊંડું કરવા તથા માટી ખોદવા માટેનું કામ ઈજારદાર વિશાલ રાજુભાઈ ઓડને આપવાનું ઠરાવ્યું હતું. પરંતુ ગ્રામસભાના ઠરાવોને અવલોકનમાં જોતા ઈજારદાર વિશાલ ઓડે ગ્રામપંચાયતમાં રકમ જમા કરાવી ન હતી. તેમજ કબીલપોર ગ્રામપંચાયતે કરેલા ઠરાવોની અમલવારી યોગ્ય રીતે નહીં કરતા ગ્રામપંચાયતને આર્થિક નુકસાની ઉભી કરી જે-તે સમયના કબીલપોર ગ્રામપંચાયતના અધિકારી-પદાધિકારીએ સત્તાનો દુરૂપયોગ કરી અંગત લાભ ઇજારદારને અપાવ્યો હોવાના આક્ષેપો કરી નુકશાની ભરપાઈ કરાવવા અને અધિકારી સામે કાર્યવાહી કરવા નાગરિકે કલેક્ટરને ફરિયાદ કરી હતી.
પત્ર નહીં મળ્યાનું ખુદ ચીફ ઓફિસરે કબૂલાત કરી
જોકે તે સમયે કબીલપોર ગ્રામપંચાયત અસ્તિત્વમાં હોવાથી આ બાબતે જિલ્લા કલેક્ટરે તપાસ માટેની કાર્યવાહી કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે કબીલપોર ગામને નવસારી-વિજલપોર નગરપાલિકામાં સમાવી લેતા નાયબ ડી.ડી.ઓ.એ તપાસ માટેની કાર્યવાહી કરવા માટે પાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવ્યો હતો. પરંતુ ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા જે-તે વિભાગના અધિકારીને તપાસ/કાર્યવાહી કરવાનો પત્ર મળતો નહીં હોય તે વાત નવાઈ પામવા જેવી છે. નાયબ ડીડીઓએ પાલિકાના ચીફ ઓફિસરને તપાસ કરવા માટે પાઠવેલો પત્ર ચીફ ઓફિસરને મળ્યો જ નથી. એ વાત ખુદ ચીફ ઓફિસરે કબૂલી પણ છે કે તેમને આ બાબતે કોઈ પત્ર મળ્યો નથી. ત્યારે પાલિકામાં અંધેર વહીવટ થતો હોય તેમ લાગી રહ્યું છે.
ચીફ ઓફિસર નગરપાલિકાના વડા તરીકે ગણાય છે. ત્યારે તેમને પૂછ્યા કે જણાવ્યા વિના કોઈ કર્મચારી કે અધિકારી કામ કરી શકતા નથી. ત્યારે ચીફ ઓફિસરને સંબોધીને લખેલો પત્ર ચીફ ઓફિસરને જ ન મળ્યો તે વાત પચાવી શકાય તેમ નથી.
ચીફ ઓફિસર સુધી પત્ર ન પહોંચાડવામાં કોને રસ
કબીલપોર ગામમાં તળાવ ઊંડું કરવા પાછળ નાણાકીય ઉચાપત કરી હોવા બાબતે ગત સપ્ટેમ્બર 2021માં ફરિયાદ થઇ હતી. હાલમાં નવું વર્ષ શરૂ થઈને પણ 4 મહિના વીતી ગયા છે. પરંતુ હજી સુધી આ બાબતે કોઈ કાર્યવાહી થઇ જ નથી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પાલિકાના ચીફ ઓફિસરને તો નાયબ ડીડીઓએ તપાસ માટે પાઠવેલો પત્ર મળ્યો જ નથી. ત્યારે આ પત્ર ચીફ ઓફિસર સુધી નહીં પહોંચાડવામાં કોને રસ હોય શકે. ત્યારે પાલિકાના ચીફ ઓફિસર આ બાબતે પણ તપાસ કરે એ જરૂરી છે.