નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે આજે નેચરલ ગેસની કિંમતો નક્કી કરવા માટેની ફોર્મ્યુલામાં સુધારાને મંજૂરી આપી હતી ને કિંમત ટોચ મર્યાદા લાદી હતી જેનાથી સીએનજી અને પાઇપ વડે પહોંચાડાતા રાંધણ ગેસની કિંમતમાં દસ ટકા જેટલો ઘટાડો કરવામાં મદદ મળશે.
- ગેસની કિંમત નક્કી કરવાની ફોર્મ્યુલા સરકારે સુધારી
- ઘરેલુ વપરાશકારો અને વાહન ચાલકોને રાહત થવાની આશા, આ બંને ગેસની તળિયાની કિંમત પણ નક્કી કરવામાં આવી
જે કુદરતી ગેસ લેગસી અથવા જૂના ફિલ્ડોમાંથી ઉત્પાદિત કરવામાં આવે છે અને એપીએમ ગેસના નામે જાણીતો છે તે હવે આયાતી ક્રૂડ ઓઇલની કિંમત સાથે ઇન્ડેક્સ્ડ કરવામાં આવશે અને તેને ચાર સરપ્લસ દેશો જેવા કે અમેરિકા, કેનેડા અને રશિયા સાથે બેન્ચમાર્ક કરવાનું બંધ કરવામાં આવશે એમ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંત્રીમંડળની બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું.
એપીએમ ગેસની કિંમત ભારત જે ક્રૂડ ઓઇલ આયાત કરે છે તેની બાસ્કેટની કિંમતના દસ ટકા પર રાખવામાં આવશે. આ જે દર આવશે તેના પર અલબત્ત, ૬.પ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટની ટોચ મર્યાદા લાદવામાં આવશે. તળિયાના ભાવ પણ નક્કી કરાશે જે પ્રતિ એમએમબીટીયુ ૪ ડોલર હશે. ટોચની કિંમત હાલના ૮.પ૭ ડોલર પ્રતિ એમએમબીટીયુ કરતા નીચી હશે અને તેનાથી પાઇપ્ડ કૂકીંગ ગેસ અને વાહનો માટેના સીએનજીની કિંમતોમાં ઘટાડો થશે. પાઇપ્ડ રાંધણ ગેસની કિંમતોમાં ૧૦ ટકા ઘટાડો થશે જ્યારે સીએનજીના ઉત્પાદનમાં થોડો ઘટાડો થશે એમ ઠાકુરે કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પીએનજી તરીકે ઓળખાતા પાઇપ્ડ રાંધણ ગેસ તથા સીએનજીના ભાવમાં ઓગસ્ટ ૨૦૨૨ સુધી એક વર્ષમાં ૮૦ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારાને કારણે આ થયું હતું.