ઉત્તરપ્રદેશ: અયોધ્યા(Ayodhya)માં હાલ ઉત્સવનો માહોલ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath) આજે રામ મંદિર(Ram Temple)ના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો હતો. આ પહેલા સીએમ યોગીએ નિર્માણાધીન રામ મંદિરના ગર્ભગૃહનું શિલા પૂજન કર્યું હતું. મંત્રોચ્ચાર સાથે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
સ્તંભ લગાવતા જ લાગ્યા જય શ્રીરામનાં નારા
આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામજન્મભૂમિના પરિસરમાં પ્રવેશ કર્યો અને પહેલા રામ લલ્લાની આરતી કરી હતી. ત્યાર બાદ સીએમ યોગીએ નિર્માણાધીન ગર્ભગૃહમાં વૈદિક આચાર્યો દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિઓમાં જોડાયા હતા. સીએમ યોગીએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા પછી શ્રી રામ લલ્લાના ભવ્ય ઘરના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલ પ્રથમ કોતરણીવાળા પથ્થરની સ્થાપના કરી. ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ 2020ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન કર્યું હતું. યોગી આદિત્યનાથે રામ મંદિરનો પહેલો સ્તંભ લગાવતાની સાથે જ ત્યાં બેઠેલા લોકો જય શ્રી રામના નારા લગાવ્યા હતા
અયોધ્યામાં 500 વર્ષની વેદના ટૂંક સમયમાં દૂર થશે: સી.એમ યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીના શિલાન્યાસ બાદ મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા તેની શરૂઆત કરી હતી. અમને ગર્ભગૃહની શિલાની પૂજા કરવાનો લાભ મળ્યો છે. ટૂંક સમયમાં ભવ્ય રામ મંદિર તૈયાર થશે. હવે રામ મંદિરનું નિર્માણ ખૂબ જ ઝડપથી થશે. ગોરક્ષપીઠની ત્રણ પેઢીઓ આ કાર્યમાં રોકાયેલી હતી. અયોધ્યાની 500 વર્ષની વેદના ટૂંક સમયમાં સમાપ્ત થશે. સીએમ યોગીએ કહ્યું કે રામ મંદિર ભારતનું રાષ્ટ્રીય મંદિર હશે. લોકો લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા છે. રામ મંદિર ભારતની એકતાનું પ્રતિક હશે.
આ દિવસ જોવા કેટલી પેઢીઓનું બલિદાન થયું : સંતો
મુખ્ય મહેમાન તરીકે પધારેલા સંતો-મહંતોએ જણાવ્યું હતું કે, આ દિવસને જોવા માટે કેટલી પેઢીઓનું બલિદાન થયું છે. આજે આપણે સૌભાગ્યશાળી છીએ કે આ ક્ષણ આપણી પોતાની આંખોથી જોઈ શક્યા છીએ.
અયોધ્યાના લોકોમાં અનેરી ખુશી : હનુમાનગઢીના મુખ્ય પૂજારી
હનુમાનગઢીના મુખ્ય પૂજારી રમેશ દાસનું કહેવું છે કે જે રીતે ભગવાન રામ અયોધ્યા છોડીને 14 વર્ષ સુધી વનવાસમાં ગયા અને અયોધ્યાના લોકો દુઃખી હતા, તેમના પરત ફર્યા બાદ અયોધ્યાના લોકોમાં જે પ્રકારની ખુશી જોવા મળી હતી, આવી જ કેટલીક બાબતો છે. આજે લોકોમાં ખુશી જોવા મળે છે. આ દરમિયાન સીએમ યોગીએ રામ મંદિરના નિર્માણ કાર્યમાં લાગેલા એન્જિનિયરોનું સન્માન પણ કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને સંતો-મહંતો સહિત કુલ 200 લોકો હાજર રહ્યા હતા.