Gujarat

સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે ઉદભવેલી સ્થિતિની સમીક્ષા કરવા CMએ ઈમરજન્સી બેઠક બોલાવી

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતના નવા મુખ્યમંત્રી (CM) તરીકેના શપથ લીધા બાદ સીધા જ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તાત્કાલિક સૌરાષ્ટ્રમાં વરસાદના (Rain) કારણે ઉદભવેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે શપથ લીધા પહેલાં જ જામનગરની સ્થિતિ અંગે કલેક્ટરને (Collector) સૂચનાઓ આપી હતી. શપથ લીધા બાદ તેઓએ કામગીરી શરૂ કરી દીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફ (NDRF) ની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ બોલાવેલી સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રીના ઓએસડી ડી.એચ શાહ બેઠકમાં જોડાયા હતા

ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી 2 ડેમની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી. રાજકોટમાં 1155 લોકો જે આજીના નીચાણવાળા વિસ્તારમાં રહે છે. આ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી. જણાવીદઈએ કે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જણાવી દઈએ કે રાજકોટ અને જામનગરમાં ધોધમાર વરસાદ (HEAVY RAIN)ના પગલે અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. જામનગરના મોટીબાણુગાર ગામમાં તો જાણે આભ ફાટ્યું છે. અહીં મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કરતા ગણતરીના કલાકોમાં 22 ઈંચ વરસાદ વરસ્યો છે, જેના લીધે પૂર (FLOOD) જેવી સ્થિતિનું નિર્માણ થતાં અનેક લોકો મકાનના ઢાબાં પર ફસાઈ ગયા છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફ (NDRF)ની ટીમ બોલાવાઈ છે. મુખ્યમંત્રીએ લોકોને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવા તેમજ હોડીમાં જઈ લોકોને રેસ્ક્યૂ કરવા તંત્રને સૂચના આપી છે. જામખંભાળીયાના કાલાવડમાં પૂરના ધસમસતા પાણીમાં અનેક લોકો ફસાયા હોઈ એરફોર્સના ચાર હેલિકોપ્ટરને રેસ્ક્યૂ ઓપરેશનમાં જોતરવા પડ્યા છે.

Most Popular

To Top