મહારાષ્ટ્રમાં નવી સરકારનો શપથ સમારોહ સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. દેવેન્દ્ર ફડણવીસ સીએમ તરીકે શપથ લેશે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. દરમિયાન શિવસેનાના નેતા ઉદય સામંતે કહ્યું કે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. થોડા સમય પછી તેઓ રાજભવનને પત્ર મોકલીને આ વાતની પુષ્ટિ કરશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે જો શિંદે ડેપ્યુટી સીએમ નહીં બને તો શિવસેનાનો કોઈ ધારાસભ્ય સરકારમાં સામેલ થશે નહીં.
આજે સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. નેતાઓ અને વીવીઆઈપી લોકો મુંબઈ પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સહિત કુલ 70 VVIP શપથ સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત શપથ સમારોહમાં 400થી વધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે સમારોહ સ્થળ પર લોકોની હાજરી દેખાવા લાગી છે.
એકનાથ શિંદેના શપથ ગ્રહણ પર હજુ પણ સસ્પેન્સ છે. શિંદે ગૃહ મંત્રાલય પર અડગ છે, પરંતુ ભાજપ તેને પોતાની પાસે રાખવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદેના ધારાસભ્યો તેમને કેબિનેટમાં સામેલ થવા માટે મનાવવા માટે વર્ષા બંગલે પહોંચ્યા છે. શિંદે આજ સવારથી કોઈને મળ્યા ન હતા. શિંદેની નારાજગી એનસીપીના શપથ સમારોહના આમંત્રણ કાર્ડ પરથી પણ સ્પષ્ટ થઈ હતી. ફડણવીસ અને અજિત પવારના નામ કાર્ડમાં છે, પણ શિંદેનું નામ નથી. શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું, ‘એકનાથ શિંદે અમારી વિનંતી સાંભળશે અને તેઓ નાયબ તરીકે શપથ લેશે. અમે માનીએ છીએ કે તે અમારા નેતા છે અને અમે ઈચ્છીએ છીએ કે તેઓ નાયબ મુખ્યમંત્રી બને. અમે બધા એકનાથ શિંદે પાસે જઈ રહ્યા છીએ, અમે તેમને મનાવીશું અને શપથ ગ્રહણ માટે તૈયાર કરીશું.
ફડણવીસ ત્રીજીવાર બનશે મહારાષ્ટ્રના સીએમ
આ પહેલા બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામ પરના શંકાના વાદળો દૂર થઈ ગયા હતા. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. તેઓ ત્રીજી વાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. બુધવારે ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય દળની બેઠક પહેલા કોર કમિટીની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામ પર સર્વસંમતિ સધાઈ હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી કેન્દ્રીય નિરીક્ષક તરીકે ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા. ફડણવીસ આજે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ ફડણવીસે તમામ ધારાસભ્યો અને પાર્ટી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ફડણવીસે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જનાદેશ આપવા બદલ રાજ્યની જનતાનો પણ આભાર માન્યો હતો.