નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) તિહાર જેલમાં (Tihar Jail) બંધ સીએમ અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) ધરપકડ બાદ પ્રથમ વખત ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે. અહેવાલો મુજબ અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ સતત વધી રહ્યું હતું, ત્યારબાદ તેમને ઇન્સ્યુલિન (Insulin) આપવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ કેજરીવાલનું શુગર લેવલ 320 સુધી પહોંચી ગયું હતું અને તેના કારણે ED દ્વારા તેમની ધરપકડ બાદ પહેલીવાર તેમને જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. બીજી બાાજુ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બીમારી અને ઇન્સ્યુલિનને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. તેમજ ઇન્સ્યુલિનના મુદ્દે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઉગ્ર શબ્દોની આપ-લે થઈ રહી છે.
અગાવ કેજરીવાલને તિહાર જેલમાં ઇન્સ્યુલિન ન આપવાના મુદ્દે આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકરો અને નેતાઓએ તિહારની બહાર ઇન્સ્યુલિનના ડોઝ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ તિહાર જેલના અધિકારીઓને કેજરીવાલને ઇન્સ્યુલિન આપવાનું કહ્યું હતું.
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલની અંદર ‘ધીમી મૃત્યુ’ તરફ ધકેલવામાં આવી રહ્યા છે. પક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે અધિકારીઓ તેમને ઇન્સ્યુલિન આપવાનો ઇનકાર કેમ કરી રહ્યા છે. જોકે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ દાવાને ફગાવી દીધો હતો. તેમણે કેજરીવાલના આહાર અને ઇન્સ્યુલિનની જરૂરિયાત અંગે જેલ અધિકારીઓના અહેવાલને પણ ટાંક્યો હતો.
કેજરીવાલ હાઈ કોલેસ્ટ્રોલવાળી વસ્તુઓ ખાય છે
ઈડીએ કોર્ટ સમક્ષ એવો પણ દાવો કર્યો હતો કે કેજરીવાલ જેલમાં હાઈ કોલેસ્ટ્રોલવાળી વસ્તુઓ ખાઈ રહ્યા છે. જેમાં મીઠાઈ, લાડુ, કેળા, કેરી, ફ્રુટ ચાટ, ફ્રાઈડ ફૂડ, નમકીન, ભુજિયા, મીઠી ચા, આલુ-પુરી અને અથાણાં જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
કેજરીવાલે AIIMSના ડૉક્ટર સાથે કંસલ્ટેશન કર્યું હતું
તિહાર જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે કેજરીવાલની એઇમ્સના વરિષ્ઠ ડાયાબિટોલોજિસ્ટ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરાવવામાં આવી હતી. 40 મિનિટના કંસલ્ટેશન બાદ ડૉક્ટરે કેજરીવાલને ખાતરી આપી કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને તેમને સૂચવવામાં આવેલી દવાઓ લેવાનું ચાલુ રાખવાની સલાહ આપી હતી.
સુનીતા કેજરીવાલની વિનંતી બાદ તિહાર જેલ પ્રશાસને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડૉક્ટર સાથે દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ લીધી. વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન AIIMSના વરિષ્ઠ ડાયાબિટીસ નિષ્ણાત ઉપરાંત RMO તિહાર અને MO તિહાર પણ હાજર હતા.
ડૉક્ટરે CGM (ગ્લુકોઝ મોનિટરિંગ સેન્સર)નો સંપૂર્ણ રેકોર્ડ અને કેજરીવાલ દ્વારા લેવામાં આવતી આહાર અને દવાઓની સંપૂર્ણ વિગતો લીધી. આ સમય દરમિયાન કેજરીવાલે ન તો ઇન્સ્યુલિનનો મુદ્દો ઉઠાવ્યો અને ન તો ડૉક્ટરે તેમને તેનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.