ગાંધીનગર: ગરીબ માનવીને કે મધ્યમવર્ગીય પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્યરક્ષા યોજના આયુષ્યમાન ભારત (India) તહેત મળે છે, એટલું જ નહિ, જરૂરતમંદ લોકોને સસ્તી અને સારી દવાઓ પણ હવે સરળતાએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર દ્વારા મળી રહે છે, તેવું ગાંધીનગરમાં જન ઔષધિ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતુ કે આજે દરેક કલ્યાણ યોજના હોય કે આરોગ્ય સુવિધા સહિતના જનહિતલક્ષી કાર્યક્રમો હોય નાના માનવી, ગરીબોને કેન્દ્રસ્થાને રાખીને જ તેનું આયોજન થાય છે. આવા નાના, છેવાડાના, ગરીબ લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવા યોજનાઓના ૧૦૦ ટકા લાભાર્થી કવરેજનો એટલે કે સેચ્યુરેશન લેવલનો અભિગમ અપનાવ્યો છે. મળવાપાત્ર લાભથી કોઇ લાભાર્થી વંચિત ન રહે એવો જનહિત ધ્યેય સેચ્યુરેશન લેવલથી સાકાર થશે. દેશભરમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો શરૂ કરાવીને આવા લાખો પરિવારોને સસ્તી, સારી અને ગુણવત્તાયુકત દવાઓ બજાર કિંમત કરતાં પ૦ થી 90 ટકા જેટલી સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવી છે.
આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, લોકોમાં એવી ગેરમાન્યતા છે કે આવી દવાઓ અસરકારક નથી પણ જેનરિક દવાઓનો ઉપયોગ ખાલી ભારતમાં જ નહિ પરંતુ અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં પણ થઇ રહ્યો છે. ૫૧ જેટલા દેશોમાં જેનરિક દવાઓના નિકાસ માટેની માંગ પણ ખુબ જ વધી છે. ભારતમાં આજે એવી ઘણી પ્રગતિશીલ ઘટનાઓ બની રહી છે જે વિશ્વના કોઈ ખૂણે બની નથી. એમાંનો જ એક પ્રયોગ એેટલે “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના” છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નજીવા દરે ગુણવત્તાયુક્ત દવાઓ સરળતાથી મળતી થાય તે માટે દેશમાં જન ઔષધિ કેન્દ્રોનું સુદ્રઢ માળખું ઉભું થયું છે. હાલ સમગ્ર દેશમાં ૯૦૦૦થી પણ વધુ કેન્દ્રો કાર્યરત છે.
માત્ર ગુજરાતમાં જ ૫૧૮ જેટલા જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, આ કેન્દ્રો પરથી WHO પ્રમાણિત ૧૭૫૦ જેટલી દવાઓ અને ૨૮૦ જેટલી સર્જીકલ સામગ્રી ઉપલબ્ધ છે. જન ઔષધિ દિવસની આ ઉજવણી અન્વયે મુખ્યમંત્રીના હસ્તે જન ઔષધિ કેન્દ્રના સંચાલકોને “જન ઔષધિ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર”, “જન ઔષધિ જ્યોતિ પુરસ્કાર” અને “જન ઔષધ મિત્ર” જેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.