Gujarat

મુખ્યમંત્રી આજે સુજલામ-સુફલામ જળ અભિયાનના 6ઠ્ઠા ચરણનો પ્રારંભ કરાવશે

ગાંધીનગર : રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી વરસાદી પાણીના (Rainwater) મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ આવતીકાલે શુક્રવાર તા.૧૭ ફેબ્રુઆરીથી થશે. મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે શુક્રવાર તા.૧૭ ફેબ્રુઆરી એ સવારે ૯ કલાકે ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી આ સુજલામ સુફલામ જળ અભિયાનના ૬ઠ્ઠા ચરણનો આરંભ કરાવશે.

આ સુજલામ સુફલામ જળ અભિયાન તા.૧૭ ફેબ્રુઆરીથી તા.૩૧મી મે એટલે કે ૧૦૪ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં યોજાવાનું છે. ગુજરાતમાં અનિયમિત તથા અસમાન વરસાદને કારણે ભૂર્ગભ જળ સ્તર નીચે ઉતરતા જવાથી તેમજ ક્ષારયુકત-ફલોરાઇડ વાળા પાણીથી ખેતી અને માનવજાતને થતા નુકસાનથી ઉગારવાના ઉપાય રૂપે આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન ર૦૧૮ના વર્ષથી ઝૂંબેશ સ્વરૂપે શરૂ થયુ છે. આ અભિયાન અન્વયે ર૦ર૩ના વર્ષમાં પણ તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડિલીસ્ટીંગના કામો, રિપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવીત કરવાના અને નહેરોની, કાંસની સાફ સફાઇના કામો રાજ્યભરમાં કરવામાં આવશે.

ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની જે કામગીરીનો સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત પ્રારંભ કરાવવાના છે તેના પરિણામે ૧.૪૩ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવની હાલની ૧૪.૧ર લાખ ઘનફૂટ સંગ્રહ ક્ષમતામાં અંદાજે પ.ર૯ લાખ ઘનફૂટનો વધારો થશે.

Most Popular

To Top