Business

બોટાદમાં રાજયપાલ તથા મુખ્યમંત્રીએ ત્રિરંગાને સલામી આપી: વાયુદળના વિમાન દ્વારા પુષ્પવર્ષા

ગાંધીનગર: બોટાદ (Botad) ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. ૨૮ વિવિધ પ્લાટુનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપીને ઉપસ્થિત સૌને દેશભક્તિના રંગે રંગ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ પહેલ અંતર્ગત મધ્યપ્રદેશની પોલીસ પ્લાટૂને પરેડમાં ભાગ લઈને રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કર્યો હતો.

આ પ્રસંગે પરેડ દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડ, ગુજરાત મરીન કમાન્ડો, ચેતક કમાન્ડોઝ, બોટાદ જિલ્લા પોલીસ પ્લાટુન, ભાવનગર જિલ્લા પોલીસ પ્લાટુન, રાજકોટ જિલ્લા મહિલા પોલીસ પ્લાટુન, ગુજરાત જેલ પુરુષ પ્લાટુન, શ્વાનદળ, અશ્વદળ, બેન્ડદળ સહિત ૨૮ પ્લાટુનોમાં ૯૨૦ જેટલાં સુરક્ષા દળના જવાનો સહભાગી બન્યા હતા. આ ઉપરાંત ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શન, દિલધડક મોટર સાઈકલ સ્ટંટ શો તેમજ રાજ્યના ગૌરવવંતા શ્વાનદળ તેમજ અશ્વદળ એ વિવિધ સ્ટંટસ સાથે કૌવત અને કૌશલ્ય દેખાડ્યું હતું. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા સંગીતના તાલે લાઠી ડ્રિલ તેમજ મલખમ દ્વારા અદ્વિતીય શૌર્ય અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 10 કિલોથી વધુ વજન ધરાવતી રાઈફલ્સ સાથે મહિલા પોલીસ કમાન્ડોએ સુંદર કરતબોની પ્રસ્તુતિ દ્વારા સૌ કોઈને રોમાંચિત કર્યા હતા. મહિલા અને પુરુષ પોલીસ જવાનો દ્વારા ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના પાંચ રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ સાથે વીરરસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

બોટાદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ પ્રખ્યાત રચના ‘ચારણ કન્યા’, વંદન તુજને મા ભારતી ગીત, કાનુડો કાળજાની કોર ગરબાના તાલ સાથે નૃત્યપ્રસ્તુતિ થકી બોટાદવાસીઓને ડોલાવ્યા હતા. રાજ્યપાલના વરદ હસ્તે અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં પરેડ કરનાર પ્લાટૂનમાંથી પ્રથમ ક્રમે આવનાર ચેતક કમાન્ડો પ્લાટૂન, બીજા ક્રમે આવનાર રાજકોટ ગ્રામ્ય મહિલા પોલીસ પ્લાટૂન તથા ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ પુરુષ પ્લાટૂનને ટ્રોફી એનાયત કરીને સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મોટર સાઇકલ સ્ટંટ શોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી એસ.આર.પી.જવાનોની ટીમને તથા ડોગ શો, અશ્વ શો, પરેડ પ્લાટૂનમાં ઉત્કૃષ્ટ નિદર્શન બદલ પોલીસ જવાનોને સન્માનિત કરાયા હતા.

Most Popular

To Top