Gujarat

જીવનમાં આગળ વધવા માટે સદકાર્યો અને ધર્મકાર્યો કરવા માટે અધ્યાત્માનો સ્પર્શ ખૂબ જરૂરી- મુખ્યમંત્રી

અમદાવાદ: દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ખરા અર્થમાં આ સમય અમૃતકાળ બને તે માટે મહારાજ સાહેબના પુસ્તકો ઉપયોગી બનશે. સદવાંચનનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ જણાવ્યું હતું કે, આપણે સૌ ભૌતિકતા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ભૌતિકતાનો સદુપયોગ કેવી રીતે થાય તે માટે આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે, તેવું અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પદ્મભૂષણ આચાર્ય વિજય રત્ન સુંદર સુરીશ્વર મહારાજના ૪૦૦મા પુસ્તકના વિમોચન પ્રસંગે આયોજિત સ્પર્શ મહોત્સવમાં જણાવ્યું હતું.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે તા ૨૨ જાન્યુઆરી સુધી સ્પર્શ મહોત્સવ ચાલશે. અત્યારસુધીમાં ૪૦૦ પુસ્તકો અને પ્રવચનો થકી સમાજમાં આગવી ઓળખ બનાવનાર આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વરજીની જ્ઞાનવાણીનો લ્હાવો મેળવવા આ મહોત્સવમાં હજારો મુલાકાતીઓ આવશે. સાથોસાથ અહીં પ્રતિદિન અનેક સામાજિક-આધ્યાત્મિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. આ ઉપક્રમે દેશભરમાંથી ૨૫૦ જેટલી ગૌશાળાને ૫ કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે સદકાર્યો અને ધર્મકાર્યો કરવા માટે અધ્યાત્માનો સ્પર્શ ખૂબ જરૂરી છે. જીવનમાં ગમે તેટલી ઝડપે ગતિ કરીએ પણ સાચી દિશા જાળવવા માટે સાધુભગવંતોની વાણીનો સ્પર્શ જાળવી રાખીવો જોઈએ.

સ્પર્શ મહોત્સવમાં ભારતીય ઉત્સવ પરંપરાનો મહિમા જણાવતા નીતિન ગડકરીએ કહ્યું હતુ કે, સમાજને જીવન જીવવાની નવી દ્રષ્ટિ પ્રદાન કરવાના હેતુ સાથે ભારતમાં પ્રાચીનકાળથી ઉત્સવોની પરંપરા છે. આજે મહોત્સવો દ્વારા પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સમાજ નિર્માણનું કામ થઈ રહ્યું છે જે પ્રશંસાને પાત્ર છે. તમે કોઈને આંખોનું દાન કરી શકો પણ દ્રષ્ટિ (વિઝન) ન આપી શકાય. સમાજ નિર્માણની દીર્ઘદ્રષ્ટિ અધ્યાત્મ દ્વારા જ મળે છે.

Most Popular

To Top