મણિપુર હિંસા અંગે સીએમ એન બિરેન સિંહે જનતાની માફી માંગી છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે 3 મેથી લઈને આજ સુધી જે કંઈ પણ થયું છે તેના માટે હું રાજ્યની જનતાની માફી માંગુ છું. ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા. ઘણા લોકો તેમના ઘર છોડી ગયા. હું આનાથી દુઃખી છું. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં શાંતિપૂર્ણ સ્થિતિ જોઈને મને આશા છે કે 2025માં રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.
મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી જાતિય હિંસા ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. નવેમ્બરમાં મણિપુરના જીરીબામમાં ત્રણ મહિલાઓ અને તેમના ત્રણ બાળકોની હત્યા બાદ પણ હોબાળો થયો હતો. રાજ્યમાં સતત હિંસાને કારણે એન બિરેન સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકાર ભારે દબાણમાં છે અને બિરેન સિંહને પદ પરથી હટાવવાની માંગણી વેગ પકડી રહી છે. NDA સાથી NPP એ પણ મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે અને નેતૃત્વ બદલવાની માંગ કરી છે. હવે વર્ષના અંતમાં મણિપુરના સીએમ એન બિરેન સિંહે જનતાની માફી માંગી છે. તેમણે કહ્યું કે નવા વર્ષ 2025માં શાંતિની આશા છે.
મણિપુરમાં મેતૈઈ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે હિંસા ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થઈ હતી જ્યારે આદિજાતિ વિદ્યાર્થી સંઘ (ATSUM) એ મણિપુર હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મણિપુરી સમુદાયને અનુસૂચિત જનજાતિની સૂચિમાં સામેલ કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારથી રાજ્યમાં હિંસા ચાલુ હતી અને કેન્દ્ર સરકારે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરવા પડ્યા હતા.