ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણથી ભરેલા ત્રણ વર્ષની કાર્યકાળને અવધિ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. 156 બેઠકો પર વિજય સાથે શપથ લીધા બાદ તેમણે સુશાસન, વિકાસ અને સેવા આધારિત રાજ્યવ્યવસ્થાના નવા ધોરણો સ્થાપિત કર્યા છે. આ ત્રણ વર્ષ દરમ્યાન આંતરરાષ્ટ્રીય સ્તરના G-20 મીટીંગ્સ અને 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળ બનાવવામાં તેમનું નેતૃત્વ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. પ્રથમ વાર ચારેય પ્રદેશોમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ યોજીને રાજ્યની પ્રાદેશિક શક્તિઓને વૈશ્વિક ઉંચાઈ સુધી પહોંચાડવાનો માર્ગ તૈયાર કર્યો છે. 2025ની એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે તેમની તાત્કાલિક, સંવેદનશીલ અને અસરકારક સંકટ વ્યવસ્થાપન ક્ષમતા સમગ્ર દેશમાં પ્રશંસિત બની. વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરીને ગુજરાતના શહેરોને આધુનિક, હરિત અને ટેકનોલોજી આધારિત બનાવવા માટેનો વ્યાપક અભિયાન શરૂ કરાયું. આ સાથે જ ગૌરવપૂર્ણ રીતે ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળવાનું શ્રેય પણ તેમના નેતૃત્વને જાય છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. રાજ્ય આજે સેમિકન્ડક્ટર અને નવીનીકરણીય ઊર્જાનું અગ્રણી હબ બની રહ્યું છે. કૃષિ કલ્યાણ ક્ષેત્રે કિસાન સૂર્યોદય યોજના મારફતે 16,899 ગામોમાં દિવસે વીજળી પહોંચાડવામાં આવી છે. ભારે વરસાદ અને કમોસમી પરિસ્થિતિઓમાં પાક નુકસાન સહન કરનારા ખેડૂતો માટે કુલ ₹10,947 કરોડના રાહત પેકેજો જાહેર કરાયા, જ્યારે 10 લાખથી વધુ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ અપાયો. શૂન્ય ટકાના પાક ધિરાણ પર છેલ્લા ત્રણ વર્ષમાં 33 લાખથી વધુ ખેડૂતોને ₹3030 કરોડથી વધુની વ્યાજ સહાય મળી છે.
મહિલા સશક્તીકરણની વાત કરીએ તો લખપતિ દીદીની સંખ્યા 5.96 લાખ સુધી પહોંચી છે, અને નારી ગૌરવ નીતિ–2024 મારફતે મહિલાઓ માટેની યોજનાઓ વધુ મજબૂત બનેલી છે. ગુજરાતે પ્રથમવાર 1 લાખ કરોડથી વધુનું જેન્ડર બજેટ રજૂ કર્યો અને 804 મહિલા કેન્દ્રિત યોજનાઓ અમલમાં છે. માતૃશક્તિ યોજના મારફતે દર વર્ષે 4 લાખથી વધુ મહિલાઓને સહાય મળે છે, જ્યારે અંત્યોદય પરિવારોની મહિલાઓ માટે જી-સફલ યોજના શરૂ કરાઈ છે. આરોગ્ય ક્ષેત્રે PMJAY-MA હેઠળ સહાય ₹5 લાખથી વધારી ₹10 લાખ કરવામાં આવી છે; બાળ અને માતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે; અને ગુજરાત સ્કૂલના બાળકોને ડિજિટલ હેલ્થ કાર્ડ આપનાર દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. નમો શ્રી યોજના હેઠળ 3.88 લાખ માતાઓને ₹238.77 કરોડની સહાય અને રાજ્યમાં 465 કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે ગુજરાત પ્રથમ સ્થાને છે.
શિક્ષણ ક્ષેત્રે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ હેઠળ 13 હજારથી વધુ વર્ગખંડ, 21 હજાર કમ્પ્યુટર લેબ્સ, 1.09 લાખ સ્માર્ટ ક્લાસરૂમ અને 5 હજાર સ્ટેમ લેબ્સ શરૂ થઈ ચૂકી છે. 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનામાં ₹1000 કરોડની સહાય અને 1.5 લાખ વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં ₹161 કરોડથી વધારે સહાય આપવામાં આવી છે. આદિજાતિ કલ્યાણ ક્ષેત્રે ₹746 કરોડનો વધારો અને જનજાતીય ગૌરવ દિવસ પર નવી યોજનાઓ શરૂ થઈ છે. યુવા વિકાસમાં ગુજરાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગેવાની લીધી છે; 71 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો અને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ સહિત અનેક રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું આયોજન રાજ્યએ કર્યું છે. i-Hub મારફતે 600 સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન અને 402 સ્ટાર્ટઅપ્સને ₹23 કરોડની સહાય આપવામાં આવી છે.
સુશાસન ક્ષેત્રે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. GRIT અને GARCની સ્થાપનાથી નીતિ અને વહીવટી સુધારણા ઝડપી બન્યા છે. 112 જનરક્ષક પ્રોજેક્ટથી તમામ ઇમરજન્સી સેવાઓ એક જ નંબર હેઠળ આવી છે. જમીન હેતુફેરમાં મહત્ત્વના સુધારા, ખેતીની નવી–જૂની શરતો દૂર કરવી અને કલેક્ટર સ્તરે પ્રીમિયમ મંજૂરી જેવી લાંબા ગાળાના સુધારા અમલમાં આવ્યા છે. શહેરી વિકાસમાં મેટ્રો ફેઝ–2નું લોકાર્પણ, 6 સ્માર્ટ શહેરોમાં ₹11 હજાર કરોડના પ્રોજેક્ટસ, 9 નવી મહાનગરપાલિકાઓ અને 226 ટીપી સ્કીમોની મંજૂરી જેવા મોટા કાર્યો થયા છે. અમદાવાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનું નંબર 1 શહેર બન્યું છે અને સુરત સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ટોચના સ્થાને રહ્યું છે.
અગ્રેસર ગુજરાત તરફ, સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચાર વર્ષ દેશના પ્રથમ ક્રમે રહેવાનું ગૌરવ, યુનેસ્કો દ્વારા ગરબાનું અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે માન્યતા, ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોમાં સ્થાન અને સ્મૃતિવન મ્યુઝિયમને વિશ્વના 7 સુંદર મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. શાંતિ–સુરક્ષાના ક્ષેત્રમાં ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષમાં ₹5426 કરોડના ડ્રગ્સ જપ્ત કર્યા છે; 7000 CCTV કેમેરા હેઠળ 14 હજારથી વધુ કેસોમાં મદદ મળી છે; i-PRAGATI અને ‘તેરા તુઝકો અર્પણ’ સહિતના પોર્ટલથી પોલીસ સેવાઓમાં પારદર્શિતા વધારી છે; ANTF યુનિટ્સનું વિસ્તરણ અને GP-DRASTI ડ્રોન સર્વેલન્સ પ્રોજેક્ટથી રાજ્યની સુરક્ષા વધુ મજબૂત બની છે.