અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં નોકરી (Job) કરતી મહિલાઓને પીરિયડ્સ (Periods) દરમિયાન ચાલુ પગાર સાથે પીરિયડ્સ લીવ આપવામાં આવે તેવી રજૂઆત સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી છે.
- રાજ્યમાં નોકરી કરતી મહિલાઓને પીરિયડ્સ લીવની છૂટ આપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
- વિશ્વના ઘણા બધા દેશોમાં નોકરી કરતી મહિલાઓને ચાલુ પગાર સાથે પીરિયડ્સ લીવનો અધિકાર આપવામાં આવે છે
સામાજિક એકતા જાગૃતિ મિશનના સંયોજક કેવલસિંહ રાઠોડએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે, તાજેતરમાં જ મહિલા સ્વાભિમાન સંમેલન કાર્યક્રમ દરમિયાન રાજ્યના સર્વે સમાજની તમામ માતાઓ અને બહેનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ સંવાદ દરમિયાન જે રજૂઆતો સામે આવી છે, તેમાં મુખ્યત્વે સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં નોકરી કરતી મહિલાઓએ વિશેષ માગણી છે કે, તેઓને કામના સ્થળે પીરિયડ્સ દરમિયાન લીવ મુક્તિ આપવામાં આવે.
પીરિયડ્સ દરમિયાન મહિલાઓની શારીરિક તેમજ માનસિક સ્થિતિ સામાન્ય દિવસોની તુલનામાં વધુ અસ્વસ્થ હોય છે, કમજોરીના કારણે નોકરીના સ્થળ ઉપર કામ કરવું મુશ્કેલ બની જાય છે. તેવા સંજોગોમાં આ દિવસો દરમિયાન મોટા ભાગની મહિલાઓ કામના સ્થળે અધિકારી સમક્ષ રજા માંગી શકતી નથી, તેથી રાજ્યની સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં કામ કરતી નોકરી કરતી મહિલાઓને ચાલુ પગાર સાથે પીરિયડ્સ લીવનો અધિકાર આપવામાં આવે, તે ખૂબ જરૂરી છે. જણાવી દઈએ કે વિશ્વના ઘણા બધા દેશોમાં નોકરી કરતી મહિલાઓને ચાલુ પગાર સાથે પીરિયડ્સ લીવનો અધિકાર આપવામાં આવે છે.