આખો દિવસ રાજકીય ગરમાટાના અંતે નવા મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિને આવતીકાલ પર ટાળવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. નો રિપીટેશનની (NO REPETITION) ફોર્મ્યુલા હેઠળ જૂના મંત્રીઓને વિદાય આપવાની સવારથી ચાલી રહેલી ચર્ચા બાદ બપોરે 4.20 કલાકે શપથવિધિ યોજાશે તેવું લગભગ નક્કી જ હતું, પરંતુ બાદમાં જાણે શું થયું, છેલ્લી ઘડીએ ક્યાં ગૂંચ પડી કે શપથવિધિનો કાર્યક્રમ આવતીકાલ પર મોકૂફ રાખવાનું નક્કી કરાયું છે. રાજભવન ખાતે શપથવિધિના લગાવાયેલા પોસ્ટર્સને હટાવી દેવાયા છે અને ખુરશી-ટેબલને પણ ઊંચકી લેવામાં આવ્યા છે.
મંત્રીઓની યાદી પણ તૈયાર થઈ ચૂકી છે. રાજભવનમાં શપથવિધિને લઈને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, ત્યારે છેલ્લી ઘડીએ એવું તો શું બન્યું કે શપથવિધિના આખાય કાર્યક્રમને જ મૌકૂફ કરી દેવાયો તેની વિગતો હજુ બહાર આવી નથી. નો રિપીટેશનની ફોર્મ્યુલાના લીધે મંત્રીઓ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C R PATIL) પાસે દોડી ગયા હોવાનું જાણવા મળે છે. આ મંત્રીઓ પ્રદેશ પ્રમુખ સમક્ષ પોતાનું મંત્રીપદું જાળવી રાખવા ચર્ચા કરી રહ્યાં હોવાની વિગતો સાંપડી છે. એક કારણ એવું બહાર આવ્યું છે કે, નવા મંત્રીઓના પરિવારજનો કાર્યક્રમમાં હાજરી આપી શકે તે માટે કાર્યક્રમ એક દિવસ માટે ટાળવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે, પરંતુ શું ખરેખર એ જ કારણ છે કે અંદરખાને કંઈ બીજી જ ખીચડી રંધાઈ રહી છે. તે હકીકત હજુ બહાર આવી નથી.
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી શનિવારે રાજીનામું આપ્યું ત્યારથી રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. રોજ નવા સમાચારો સામે આવી રહ્યાં છે. અનેક મોટા માથાંઓના નામોની ચર્ચા વચ્ચે ભાજપના મોવડીમંડળે એક ટર્મના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના શિરે મુખ્યમંત્રીનો તાજ રવિવારે મુકી આશ્ચર્ય સર્જ્યું હતું. હવે નવાસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં પણ નવા અને યુવાનોને તક આપવામાં આવે તેવી ચર્ચાએ જોર પક્ડ્યું છે. નો રિપીટેશનની ફોર્મ્યુલા હેઠળ વર્તમાન મંત્રીઓને ઘરનો રસ્તો દેખાડી દેવામાં આવે તેવી વાતો બહાર આવી છે.
મંત્રી બન્યા પહેલાં જ મોટા હોદ્દા માટે આંતરિક ખેંચતાણ
મોટા હોદ્દાઓ માટે જુદાં જુદાં ત્રણ જૂથ વચ્ચે ખેંચતાણ વધતાં મામલો મોદીના (NARENDRA MODI) દરબારમાં ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. હોદ્દાઓ માટે બે જૂથને અમિત શાહની મધ્યસ્થી મંજૂર નહીં હોવાની વાતો બહાર આવી છે. કમલમ અને સી.આર.ના બંગલે 24 કલાકથી મંત્રીઓના નામની યાદીમાં ફેરફારો થઈ રહ્યાં છે. ગુજરાત ભાજપમાં બે મોટા જૂથ આનંદીબેન- અમિત શાહ જૂથના ધારાસભ્યોને મંત્રી બનાવવા માટેની ખેંચતાણ ચાલી રહી છે. તેથી આખોય મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરબારમાં ગયો હોવાનું જાણવા મળ્યું છે.
સી.આર. પાટીલના નિવાસસ્થાને ધારાસભ્યોની અવરજવર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં જૂના મંત્રીઓને સ્થાન નહીં મળે તેવું અટકળો બહાર આવતા સવારથી જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસસ્થાને ધારાસભ્યોની અવરજવર વધી હતી. દક્ષિણ ગુજરાતના 6 ધારાસભ્યો સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાના ધારાસભ્યો પાટીલને મળવા દોડી ગયા હતા. નો રિપીટેશનની ફોર્મ્યુલાના લીધે જૂના મંત્રીઓના ચહેરા પર ઉચાટ જ્યારે ધારાસભ્યોના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 24 મંત્રીઓના સમાવેશની શક્યતા
ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં 24 મંત્રીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે, જેમાં તમામ પંથકના 6-6 MLA નો સમાવેશ કરી શકાય તેવી અટકળો ચાલી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના 6 MLA નો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. નિયમ પ્રમાણે મંત્રી મંડળમાં 27 મંત્રીઓ બની શકે છે પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં 24 મંત્રીઓને સ્થાન મળે તેવી શક્યતા છે. નો રિપીટેશન થિયરીની પણ અટકળો ચાલી રહી છે. જે મંત્રીઓ રિપીટ નહીં થાય તેવી વાતો ચાલી રહી છે તે મંત્રીઓ દ્વારા ઓફિસ ખાલી પણ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હોવાની વાતો ચાલી રહી છે. આ મંત્રીઓને ઓફિસ ખાલી કરવા અગાઉથી જ સૂચના આપી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.