અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં રવિવારે સવારે 10.30 વાગ્યે વાદળ ફાટવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઘણી જગ્યાએ લેન્ડ સ્લાઈડ થઈ છે. લોકોને ત્યાં ન જવાની સલાહ આપવામાં આવી છે. નેશનલ હાઈવે-415 પર પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો ફસાઈ ગયા છે. જિલ્લા પ્રશાસને લોકોને નદીઓના કિનારે અને ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારોમાં ન જવા જણાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદને જોતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે. જણાવ્યું કે જિલ્લા પ્રશાસને સાત સ્થળોએ રાહત શિબિરો બનાવી છે.
બીજી તરફ આસામમાં લગભગ એક સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે. સરકારી અધિકારીઓએ 22 જૂને જણાવ્યું હતું કે 19 જિલ્લાઓમાં લગભગ 4 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે. સરકારે પૂર પ્રભાવિત લોકો માટે 100 રાહત શિબિરોની સ્થાપના કરી છે. રાહત સામગ્રી આપવા માટે 125 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
હવામાન વિભાગ (IMD) એ આજે મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મધ્યપ્રદેશના માલવા ક્ષેત્ર ઉપરાંત ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી અમિત શાહે ચોમાસા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં પૂરને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા બેઠક યોજી હતી. તેમાં ગૃહ, જળ સંસાધન, નદી વિકાસ, પૃથ્વી વિજ્ઞાન, પર્યાવરણ, માર્ગ પરિવહન મંત્રાલયો અને વિભાગોના સચિવો, રેલવે બોર્ડના અધ્યક્ષ, એનડીએમએના અધિકારીઓએ હાજરી આપી હતી.