એક યુવાન દંપતી અજય અને આભા લગ્ન બાદ નવા શહેરમાં રહેવા ગયાં. હજી પોતાનું ઘર લેવાનું બાકી હતું તેથી થોડું ઓછું ગમ્યું પણ ભાડાનું ઘર લીધું અને જીવન શરૂ કર્યું. ઘર ગોઠવીને બંને જણ થાક્યાં હતાં તેથી બીજે દિવસે સવારે ઊઠવામાં થોડું મોડું થયું. આભાએ ગરમ બટાટા પૌંઆ અને ચા બનાવ્યાં અને બંને જણ નાસ્તો કરવા બેઠાં. નાસ્તો કરતાં કરતાં આભાની નજર બારીની બહાર ગઈ. બાજુના ફ્લેટનાં કપડાં ધોવાઈને સુકાતાં હતાં.કપડાં મેલાં દેખાતાં હતાં. સ્ત્રીસહજ સ્વભાવ પ્રમાણે આભાએ તુરંત ટીકા કરી કે ‘આ બાજુવાળાં બહેનને બરાબર કપડાં ધોતાં નથી આવડતું લાગતું અથવા તો તેમની કામવાળી બાઈ કામ બરાબર નથી કરતી અથવા તો સારો સાબુ વાપરવાની જરૂર છે.’આભાની આ નકામી ટીકાને અવગણતાં અજય કંઈ ન બોલ્યો.
થોડા દિવસ પસાર થયા.જયારે જયારે આભાની નજર બારીની બહાર જાય અને તે મેલાં કપડાં સુકાતાં જુએ એટલે તુરંત જ આવી કોઈ ટીકા કરે.આ બહેનને કપડાં ધોતાં શીખવાડવાની જરૂર છે કે પછી મારી બાઈ આવાં કપડાં ધુએ તો હું ન જ ચલાવું વગેરે વગેરે.એક રવિવારે આભા થોડી મોડી ઊઠી.અજય વહેલો ઊઠી ગયો હતો. તેણે આભાના હાથમાં કોફીનો મગ આપ્યો.કોફી પીતાં પીતાં આભાએ બારીની બહાર જોયું અને કંઇક બોલવા જતાં અટકી ગઈ કારણ આજે બાજુના ફ્લેટના સુકાતાં કપડાં એકદમ સાફ હતાં.આભા ચૂપ ન રહી શકી. બોલી, ‘ચાલો ,આ બાજુવાળાં બહેને સાબુ અથવા બાઈ બદલી લાગે છે અથવા કોઈએ તેમને કપડાં ધોતાં બરાબર શીખવ્યું લાગે છે.’
અજય પ્રેમથી બોલ્યો, “ડિયર ,મેં જ શીખવ્યું છે.”આભા ને કંઈ સમજાયું નહિ.અજયે કહ્યું, “હું સવારે વહેલો ઊઠી ગયો હતો.કોફી પીતા બારી પર નજર ગઈ. કાચ પર બહુ ધૂળ હતી. ઘર ગોઠવવામાં આપણે બારી સાફ કરવાનું ભૂલી ગયાં હતાં.મેં આજે બારીના કાચ સાફ કરી ચમકાવ્યા છે.કપડાં નહિ, આપણી બારીના કાચ મેલા હતા.” આવું જ કંઇક આપણા જીવનનું છે. આપણે કોઈનામાં શું જોઈએ છીએ તે આપણા મનની બારીના કાચ કેટલા ચોખ્ખા અને સાફ છે તેની પર આધાર રાખે છે.કોઈની ટીકા કરતાં પહેલાં આપણે પરિસ્થિતિ, તેના સંજોગ અને ખાસ કરીને આપણી મન:સ્થિતિ ચકાસવી જરૂરી છે અને હંમેશા સાફ મન સાથે બીજાની સારપ અને ગુણ જોવાના પ્રયત્નો કરવા જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
