સુરતઃ ચોમાસાની ઋતુમાં પાણીજન્ય બિમારી થવાનો ભય રહ્યો હોય છે ત્યારે સુરત મનપાની લાપરવાહીના લીધે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ ઉદ્દભવી છે. શહેરના ઉધના વિસ્તારની એક સોસાયટીમાં છેલ્લાં કેટલાંય દિવસોથી વાંસ મારતું રંગીન ગંદું પાણી આવી રહ્યું છે, જેના લીધે લોકો પરેશાન થઈ ગયા છે.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અમૃત નગરના રહીશોને છેલ્લા કેટલાય દિવસોથી ખૂબ જ ખરાબ ગુણવત્તાનું પીવાનું પાણી સપ્લાયમાં મળી રહ્યું છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે પાણી ક્યારેક ભૂરા તથા ક્યારેક પીળાં રંગનું આવે છે. આ ડહોળાં પાણીમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય છે. પીવાની વાત તો દૂર રહી તે ઘરના કામમાં પણ ઉપયોગમાં લેવાય તેવું નથી. ગંદા પાણીના સપ્લાયના લીધે સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે.
સ્થાનિક રહીશોએ કહ્યું કે, ત્રણ મહિનાથી હેરાન થઈ રહ્યાં છે. અહીં પાણીની પાઈપ લાઈન બદલવામાં આવી ત્યારથી સમસ્યા ઉદ્દભવી છે. અનેક દિવસ પાણી આવતું નથી. ટેન્કરો પણ રોજ આવતા નથી. આસપાસના પડોશીઓ પાસે પાસે પાણીની ભીખ માંગવી પડે છે. નળમાં ક્યારેક જ પાણી આવે છે તે પણ ગંદુ રંગીન હોય છે. વપરાશને લાયક હોતું નથી. પાણીની પાઈપ લાઈનના કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરીએ તો તે સાંભળતો નથી. અધિકારીઓ પણ કાને વાત ધરતા નથી.

સ્થાનિક રહેવાસીઓએ આ મુદ્દે અનેકોવાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માં ફરિયાદો પણ કરી છે. છતાં પણ હજુ સુધી કોઈ કાયમી પગલાં લેવામાં આવ્યા નથી, જેની સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પાણીની ગુણવત્તા ચકાસી યોગ્ય પગલાં લેવામાં આવે અને તેઓને સ્વચ્છ તથા પીવા લાયક પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે.
કોર્પોરેટરે સામાન્ય સભામાં મુદ્દો ઉંચક્યો
ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠેએ મંગળવારે સામાન્ય સભામાં મેયર અને પાલિકા કમિશનરને મોટી ચીમકી આપી છે. આવાં ઉલ્લુ બનાવનારા અધિકારી સામે કડક એકશન લો નહીં તો મારે ના છૂટકે આંદોલન કરવું પડશે.