વડોદરા : રાજ્યના શિક્ષણ વિભાગની સુચનને પગલે આગામી 5મી સપ્ટેમ્બરે આવી રહેલા શિક્ષક દિન પૂર્વે અને કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ધોરણ- 6 થી 8 ના વર્ગો 50 ટકા હાજરી સાથે શરૂ થયા હતા. વડોદરાની ની શાળાઓમાં પ્રથમ દિવસે સરેરાશ 10 ટકા વિદ્યાર્થીઓની હાજરી રહી હતી. કોરોનાની મહામારી બાદ તબક્કાવાર શરૂ કરવામાં આવી રહેલી ઓફ લાઇન સ્કૂલોમાં હજુ શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.
શહેર જિલ્લાની 400 જેટલી શાલોમાં વર્ગ ખંડોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હજી વિધાર્થીઓને શાળાએ આવવા જવા માટે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા શરૂ કરવામાં આવી નથી તેથી વાલીઓ પણ વિધાર્થીઓને શાળાએ મોકલવાની દ્વિધા અનુભવે છે. શહેર નાં ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર આવેલી જય અંબે વિદ્યાલયના પ્રિન્સીપાલ પરેશભાઇ શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોનાની ગાઇડ લાઇનના ચુસ્ત પાલન સાથે ધોરણ-6 થી 8 ના ઓફ લાઇન વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે ધોરણ 6 થી 8 ના 45 વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા. અને ધોરણ 9 થી 12 ના 29 વિદ્યાર્થીઓ મળી કુલ્લે 74 વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા હતા. આમ સરેરાશ 10 ટકા વિદ્યાર્થીઓની હાજરી રહી હતી. સ્કૂલમાં સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વિદ્યાર્થીને સાથે સેનેટાઇઝર લઇને આવવા માટે જણાવવામાં આવે છે.
જય અંબે સ્કૂલમાં ધોરણ-6 માં અભ્યાસ કરતો કિર્તન ઘોડીના સહારે ભારે ઉત્સાહ સાથે સ્કૂલમાં આવ્યો હતો. કિર્તને તાજેતરમાં કમરના મણકાની સર્જરી કરાવી હતી. પરિણામે તેના બંને પગ અશક્ત થઇ જતા તે ઘોડીના સહારે સ્કૂલમાં આવ્યો હતો. વિદ્યાર્થી અદિતે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે સ્કૂલો બંધ રહેવાથી અભ્યાસ ઉપર અસર પડી છે. ઓન લાઇન શિક્ષણમાં સ્કૂલના વર્ગ ખંડમાં બેસીને અભ્યાસ કરવા જેટલી મજા આવતી નથી. સાથી વિદ્યાર્થી મિત્રો સાથે ભણવાની મજા અલગ હોય છે. તેથી વધારે કોઇ પણ પ્રશ્નની મુંઝવણ હોય તો તે તુરતજ જે તે વિષયના શિક્ષકને મળીને હલ લાવી શકાય છે.