Madhya Gujarat

મોગરી જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ધો.8નું પેપર ફુટતાં હોબાળો

આણંદ : આણંદની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ચાલી રહેલી વાર્ષિક પરીક્ષા દરમિયાન પેપર ફુટ્યાની વાત બહાર આવતા ભારે હોબાળો મચ્યો હતો. આ અંગે બુધવારના રોજ વાલીએ શાળાએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો. જોકે, શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને કોઇ અન્યાય ન થાય તેવા પગલાં ભરવા બાહેંધરી આપી હતી. સાથોસાથ ફરીથી પરીક્ષા લેવા અંગે જણાવતા વાલીઓએ પહેલા જવાબદાર સામે પગલાં ભરવા માંગણી કરી હતી.

આણંદની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ધો.8ના એક – બે નહીં પરંતુ છ વિષયના પેપર ફુટ્યાને લઇ વાલીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે. હાલ શાળામાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે અને અંતિમ બે પેપર જ બાકી છે, ત્યારે આ ઘટનાને લઇ ભારે ઉહાપોહ થયો છે. વાલીઓ બુધવાર સવારે શાળાએ પહોંચ્યાં હતા અને શાળા સંચાલકોનો ઉધડો લીધો હતો. તેઓએ જવાબદારો સામે તાત્કાલિક પગલાં ભરવા માગણી કરી હતી. જોકે, આ પેપર કોણે ફોડ્યાં ? અને કેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા ? તે બાબતે શાળા સંચાલકો હજુ અંધારામાં છે. આ અંગે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, શાળાના જ કર્મચારીએ પોતાની ભત્રીજીને સારા માર્ક્સથી પાસ કરાવવા માટે પેપર ફોડ્યું હતું. જે બાદમાં ભત્રીજીએ તેના મિત્ર વર્તુળમાં વાયરલ કર્યું હતું.

ફરી પરીક્ષાને લઇ વાલી અને શાળા વચ્ચે ખેંચતાણ
જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ધો.8ના પેપર ફુટવાને લઇ ભારે હોબાળો થયો છે. આ અંગે શાળા સંચાલકોએ ફરીથી પરીક્ષા લેવા બાબતે વાત કરી હતી. પરંતુ વાલીઓ વધુ ભડક્યા છે. તેઓએ ફરી પરીક્ષા લેવાના બદલે પહેલા જવાબદારો સામે પગલાં ભરવા માગણી કરી છે. જો તેમ નહીં થાય તો વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી લેવાનો કોઇ અધિકારી ન હોવાનું પણ જણાવ્યું હતું.

Most Popular

To Top