નવસારી : નવસારીના (Navsari)સંદલપોર ગામે ક્રિકેટ (Cricket) રમવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થતા એક વૃદ્ધનું મોત (death) નીપજ્યું હતું. આ મામલે પોલીસે 16 સામે હત્યાનો (Murder) ગુનો નોંધ્યો હતો. જ્યારે સામેપક્ષની પણ ફરિયાદ લઈ 16 સામે ગુનો નોંધી કુલ 32 જેટલા લોકો સામે ગુનો (Crime) નોંધ્યો હતો. પોલીસે હત્યાના 7 આરોપીને ઝડપી પાડી 3 દિવસના રિમાંડ મેળવ્યા હતા. જ્યારે સામેપક્ષે પણ પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, ગત 18મીએ ધુળેટીના તહેવારમાં જલાલપોર તાલુકાના સંદલપોર ગામે ક્રિકેટના ગ્રાઉન્ડમાં વહન પાર્કિંગ કરવા બાબતે ભરવાડ સમાજ અને પટેલ સમાજના લોકો વચ્ચે ઝઘડો થયો હતો. જોકે બપોરે તે ઝઘડાનું સમાધાન થઇ ગયું હતું. પરંતુ મોડી સાંજે પરત આ બાબતે ભરવાડ સમાજના લોકો અને પટેલ સમાજના લોકો વચ્ચે ફરી અથડામણ થઇ હતી. જે અથડામણમાં ભરવાડ સમાજના એક વૃદ્ધનું મોત થતા મામલો બીચકયો હતો. આ ઘટનાને પગલે સંદલપોર ગામ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ બાબતે ભરવાડ સમાજના લોકોએ પટેલ સમાજના 16 સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. જ્યારે પટેલ સમાજે પણ ભરવાડ સમાજના 16 સામે ગુનો નોંધાવતા પોલીસે બંને પક્ષોની સામ-સામે ફરિયાદ લઈ કુલ 32 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે હત્યાના ગુનામાં ઠાકોરભાઈ, ભીખાભાઈ, દેવાંગ, અંકુર, અંકિત, સંજયભાઈ અને રાજકુમારને ઝડપી પાડ્યા હતા. તેઓને પોલીસે કોર્ટમાં રજુ કરી 3 દિવસના રિમાંડ મેળવ્યા હતા. તો બીજી તરફ પોલીસે કાળુભાઈ, વજુભાઈ અને કાનાભાઈ સહિતના 5 લોકોને ઝડપી પાડ્યા છે.
સિસોદ્રા ગામ પાસે ચક્કર આવીને પડી જતા યુવાનનું મોત
નવસારી : સિસોદ્રા ગામ પાસે ચક્કર આવીને પડી જતા યુવાનનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના અંબાડા ગામે કોળીવાડ ફળીયામાં સ્નેહલ બીખુભાઈ હળપતિ (ઉ. વ. 25) તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 8મીએ સ્નેહલ તેના બનેવી ભાવેશભાઈ સાથે બાઈક પાછળ બેસીને કાલીયાવાડીથી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે મહુવા રોડ પર સિસોદ્રા ગામ પાસે અચાનક ચક્કર આવીને પડી ગયો હતો. જેના પગલે સ્નેહલને શરીરે અને માથાના ભાગે ઈજાઓ થતા નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોકટરે ખટોદરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાગળો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે મોકલતા આગળની તપાસ એ.એસ.આઈ. ભાવેશભાઈને સોંપી છે.