નવી દિલ્હી: જમ્મુ ડિવિઝનમાં (Jammu Division) સતત વધી રહેલા આતંકવાદી હુમલા (Terrorist attacks) બાદ સુરક્ષા દળોએ મોટા ક્લિનિકલ ઓપરેશનની તૈયારી કરી લીધી છે. ત્યારે ડિવિઝનમાં 48 સ્થળોએ સેના, અર્ધલશ્કરી દળો અને પોલીસને 80 કિલોમીટરના ગાળામાં તૈનાત કરવામાં આવ્યા છે. બીજી બાજુ જમ્મુના ડોડામાં સતત ચોથા દિવસે ફરી અથડામણ (Clash) શરુ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી એકવાર સતત ચોથા દિવસે અથડામણ શરૂ થઇ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે આજે ગુરુવારે આ માહિતી આપી હતી. માહિતી મુજબ ડોડામાં સોમવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ ડોડા જિલ્લાને અડીને આવેલા ઉધમપુર જિલ્લાની સરહદમાં આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે સર્ચ ઓપરેશન પણ તેજ કરી દીધું હતું. ડોડામાં સેના મોટાપાયે ઓપરેશન ચલાવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કાસ્તીગઢ વિસ્તારના જદ્દન બાટા ગામમાં સવારે લગભગ 2 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતુ કે જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા સર્ચ પાર્ટીઓ પર ગોળીબાર કર્યો હતો. ત્યારે બંને પક્ષો વચ્ચે લાંબા સયય સુધી ગોળીબાર ચાલુ જ હતો. હવે આતંકવાદ ઉપર સંપુર્ણ કાબુ મેળવવા માટે ભારતીય સેનાએ 80 કિલોમીટર લાંબો ઘેરાવો કર્યો છે.
સેનાના અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે 1990 પછી આ પ્રથમ વખત છે, જ્યારે આતંકવાદ તેની ચરમસીમા પર પહોંચી ગયો છે, ત્યારે છત્રગલન અને લોહાઈ મલ્હાર વચ્ચેના 80 કિલોમીટરના ત્રિજ્યામાં મોટા પાયે સેના તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ આતંકવાદીઓ અને તેમના મદદગારોને ખતમ કરવા માટે અત્યાર સુધીમાં કઠુઆ જિલ્લામાં સેનાની લગભગ છ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
સેનાની કાયમી પોસ્ટ તૈયાર કરવામાં આવી
સેનાએ કઠુઆ જિલ્લાના ઊંચા પહાડી વિસ્તારોમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટું ઓપરેશન શરૂ કર્યું હતું. જેને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે ઉધમપુર જિલ્લાને અડીને આવેલા બાની સબ ડિવિઝનના ચોચરુ ગાલા, ધગ્ગર અને દુગ્ગનના પહાડી શિખરો પર સેનાની કાયમી પોસ્ટ તૈયાર કરવામાં આવી છે.
બુધવારે આ કંપનીઓએ ચોચરુ ગાલા સહિત ધગ્ગર અને દુગ્ગનના પહાડી શિખરો પર તેમની કાયમી ચોકીઓ તૈયાર કરી હતી. આ પહેલા બદનોટા સહિત ડોડામાં સુરક્ષાદળો પર થયેલા હુમલામાં આતંકવાદીઓએ જંગલોની પાછળ છુપાઈને હુમલા કર્યા હતા. આ ઉપરાંત તેઓએ પહાડી શિખરોનો ઉપયોગ કરીને પણ સેના પર હુમલા કર્યા હતા. જેને ધ્યાનમાં રાખીને સેનાએ હવે આ જંગલોમાં આતંકવાદીઓને શોધીને ઠાર મારવાનું ઓપરેશન તેજ કરી દીધું છે.
અધિકારીના જણાવ્યા મુજબ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ સ્થળ પર પહોંચે તે પહેલાં આતંકવાદીઓ ભાગી જાય છે, પરંતુ હવે તેમને ભાગવાની તક મળશે નહીં. સેના પહાડી શિખરોથી દરેક ગતિવિધિ પર નજર રાખશે. આ ઉપરાંત સેના કોઈપણ વિસ્તારમાં તાત્કાલિક પહોંચીને આતંકવાદીઓને ખતમ કરવા માટે પણ તૈયાર છે.