National

છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 9 નક્સલવાદી ઠાર

નવી દિલ્હી: ભારતીય જવાનોને (Indian Soldiers) છત્તીસગઢમાં (Chhattisgarh) વધુ એક સફળતા સાંપડી છે. આજે 2 એપ્રિલ મંગળવારના રોજ સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ ભારતીય સુરક્ષા દળો અને સેનાના જવાનો 9 નક્સલવાદીઓને (Naxalites) ઠાર કર્યા છે. તેમજ INSAS LMG જેવા ખતરનાક ઓટોમેટીક હથિયારો પણ જપ્ત કર્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલીના જંગલોમાં અથડામણમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ સાથે મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી. ઘટનાસ્થળેથી માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી INSAS LMG જેવા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા હતા. હાલ ચારે બાજુથી વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

અત્યાધુનિક હથિયારો મળી આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 9 નક્સલવાદીઓના મૃતદેહ અને એક એલએમજી ઓટોમેટિક હથિયાર, BGL લોન્ચર અને હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. તેમજ ફાયરિંગમાં કોઈ સુરક્ષાકર્મી ઘાયલ થયાના અહેવાલ નથી.

બંને તરફથી ગોળીબાર
અધિકારીઓએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોને સોમવારે નક્સલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા. આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયનના જવાનો સામેલ હતા. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે ટીમ લેન્દ્રા ગામના જંગલમાં હતી ત્યારે નક્સલવાદીઓએ આજે ​​સવારે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ પછી જવાનોએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો.

ઘણા નક્સલવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા
અધિકારીઓએ જણાવ્યું કે બંને તરફથી થોડીવાર સુધી ગોળીબાર થયા બાદ નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં જ્યારે સ્થળની તપાસ કરવામાં આવી ત્યારે ચાર નક્સલવાદીઓના મૃતદેહ, એક ઓટોમેટિક લાઇટ મશીન ગન (LMG), ‘બેરલ ગ્રેનેડ લોન્ચર’ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા.

આ સાથે જ તેમણે કહ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમજ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમજ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના સાથે જ આ વર્ષે અત્યાર સુધીમાં બીજાપુર જિલ્લા સહિત બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 37 નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુકમા જિલ્લો બસ્તર લોકસભા ક્ષેત્રમાં છે જ્યાં 19 એપ્રિલે સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે.

Most Popular

To Top