સુરતઃ પોલીસ અને વકીલ કાયદાના રક્ષકો ગણાય છે, પરંતુ આ કાયદાના રક્ષકો જ જ્યારે એકબીજા સામે બાથ ભીડે ત્યારે જોવા જેવી થાય છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે.
શહેરના ડિંડોલી વિસ્તારમાં કાયદાના રખેવાળ ગણાતા પોલીસ અને વકીલ વચ્ચે ઝઘડો થયો છે. મોડી રાત્રે પોલીસ કર્મચારીએ વકીલને માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ થયા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
આ ઘટના 18 ઓગસ્ટને રવિવારની રાત્રિના લગભગ 12.15 વાગ્યા આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. એડવોકેટ હિરેન રજનીકાંત નાઈ રાત્રિના સમયે બહાર હતા ત્યારે પેટ્રોલિંગમાં નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોલંકી સાથે બોલાચાલી થઈ હતી. પીઆઈનો પિત્તો ગયો હતો અને પીઆઈ સોલંકીએ એડવોકેટ હિરેનને પાછળથી જોરદાર લાત મારી હતી. જેના લીધે એડવોકેટ હિરેન નાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસકર્મી વિરુદ્ધ અરજી કરી છે.
હિરેને પોતાની અરજીમાં આક્ષેપ કર્યો છે કે, પોલીસ ઈન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો. તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
વકીલો પોલીસ કમિશનરને આવેદનપત્ર આપશે
હિરેન સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલા ગેર વર્તનના પગલે સુરતના વકીલ આલમમાં રોષ વ્યાપી ગયો છે. વકીલોએ પોલીસ વિરોધમાં આજે તા. 20 ઓગસ્ટના રોજ રેલી કાઢવા અને બાર કાઉન્સિલમાં અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો છે. 200 જેટલાં વકીલો સુરત પોલીસ કમિશનર કચેરી પર પહોંચી પીઆઈ સોલંકી સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે આવેદનપત્ર પણ આપનાર છે.
પીઆઈનો ખુલાસો, તે ભાઈ વકીલ જેવા લાગતા નહોતા
દરમિયાન પીઆઈ એચ.જે. સોલંકીએ સમગ્ર મામલે પોતાના બચાવમાં ખુલાસો કરતાં કહ્યું કે, રાત્રિના સમયે ડિંડોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ટોળું ભેગું થયું હતું. ટોળાના લોકો જવાનું નામ લેતા નહોતા. હું પણ રાત્રિ પેટ્રોલિંગમાં ફરજ બજાવી રહ્યો હતો. હું કાર લઈ ગયો હતો.
મેં જાતે બે થી ત્રણ વાર લોકોને જતા રહેવા સૂચના આપી હતી. હું શાંતિથી પૂછી રહ્યો હતો ત્યારે પોતે તેઓ વકીલ છે એવી કોઈ માહિતી આપી નહોતી. તેમનો પોષાક પણ એવો નહોતો. તે બિલકુલ વકીલ જેવો લાગતો ન હોતો. તે ભાઈને દૂર જતા રહેવા સૂચના આપી હતી, પરંતુ તેણે ફરજ પરના પોલીસ કર્મીને વળતો જવાબ આપ્યો હતો. આથી મામલો બિચક્યો હતો.