આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમા તમાકુ મળી આવ્યું છે. તેલંગાણાની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને પ્રસાદમ સંબંધી લાડુની અંદર કાગળમાં લપેટી તમાકુના ટુકડા મળ્યા છે. તેણે તેનો વીડિયો જાહેર કર્યો છે. જોકે આ વીડિયોની સત્યતા અંગે કોઈ ખાતરી કરવામાં આવી નથી.
આરોપ લગાવનાર ડોન્થુ પદ્માવતી ખમ્મમ જિલ્લાના ગોલ્લાગુડેમની રહેવાસી છે. 19 સપ્ટેમ્બરના રોજ તે તિરુમાલા મંદિર ગઈ હતી તે ત્યાંથી લાડુ લાવી હતી. લાડુમાં કાગળ મળી આવ્યો હતો. જોકે ઘટનાની સત્યતા બાબતે હાલ કોઈ પુષ્ટી કરાઈ નથી. આ પહેલા 18 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં YSR કોંગ્રેસ સરકાર દરમિયાન તિરુપતિ મંદિરના લાડુ (પ્રસાદમ)માં પશુ ચરબીનું વનસ્પતિ તેલ અને માછલીનું તેલ મિશ્રિત કરવામાં આવ્યું હતું. બીજા દિવસે ટીડીપીએ લેબ રિપોર્ટ બતાવ્યો અને તેના આરોપોની પુષ્ટિ કરવાનો દાવો કર્યો.
તિરુપતિ મંદિરના શુદ્ધિકરણ માટે મહાશાંતિ યજ્ઞ
તિરુપતિ મંદિરના શુદ્ધિકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. 23 સપ્ટેમ્બરના રોજ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20 પૂજારીઓએ સવારે 6 થી 10 વાગ્યા સુધી ચાલતા પંચગવ્ય પરીક્ષા (શુદ્ધિકરણ)માં ભાગ લીધો હતો. ધાર્મિક વિધિમાં રસોડાને લાડુ અને અન્નપ્રસાદથી શુદ્ધ કરવામાં આવ્યું હતું.
મંદિરના મુખ્ય પૂજારીઓમાંથી એક કૃષ્ણ શેષાચલ દીક્ષિતુલુએ કહ્યું કે સરકાર એક પ્રસ્તાવ લઈને આવી હતી કે મંદિરને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ. તેથી અમે શાંતિ હોમ કરવાની દરખાસ્ત સાથે મેનેજમેન્ટ પાસે ગયા. સવારે 6 વાગ્યે અમે બધા ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ અને પરવાનગી લેવા માટે ગર્ભગૃહમાં ગયા. હવે બધું શુદ્ધ થઈ ગયું છે, હું બધા ભક્તોને વિનંતી કરું છું કે તેઓએ હવે ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન બાલાજીના દર્શન કરો અને પ્રસાદ ઘરે લઈ જાઓ.
જણાવી દઈએ કે કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) છેલ્લા 50 વર્ષથી ટ્રસ્ટને રાહત દરે ઘી સપ્લાય કરતું હતું. તિરુપતિ મંદિરમાં દર છ મહિને 1400 ટન ઘીનો ઉપયોગ થાય છે. જુલાઈ 2023 માં કંપનીએ ઓછા દરે સપ્લાય કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ જગન સરકાર (YSRCP) એ 5 કંપનીઓને સપ્લાયનું કામ સોંપ્યું હતું. આમાંની એક એઆર ડેરી ફૂડ્સ ડિંડીગુલ, તમિલનાડુ સ્થિત છે. આ વર્ષે જુલાઈમાં તેના ઉત્પાદનમાં ખામી જોવા મળી હતી.