જો બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપમાંથી બહાર કાઢવામાં આવે તો પાકિસ્તાન પણ ટુર્નામેન્ટમાંથી ખસી જશે. પાકિસ્તાની ચેનલ જીઓ ન્યૂઝે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના સૂત્રોને ટાંકીને આ દાવો કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે PCB એ પણ ટુર્નામેન્ટની તૈયારીઓ અટકાવી દીધી છે. જો પાકિસ્તાન ભાગ ન લેવાનો નિર્ણય લે તો પરિસ્થિતિને સંભાળવા માટે ટીમ મેનેજમેન્ટને સબ્સ્ટીટ્યૂટ પ્લાન બનાવવા માટે કહેવામાં આવ્યું છે. જો કે PCB કે ICC બંનેમાંથી કોઈએ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
દરમિયાન બાંગ્લાદેશ સરકારના રમતગમત સલાહકાર આસિફ નજરુલે જણાવ્યું હતું કે જો ICC ભારતીય બોર્ડના દબાણને વશ થઈને તેમના પર અન્યાયી શરતો લાદવાનો પ્રયાસ કરશે તો તેઓ આવી શરતો સ્વીકારશે નહીં. તેમણે ભારતમાં ન રમવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ BCCI ના કહેવા પર બાંગ્લાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL 2026 માંથી મુક્ત કર્યો. આનાથી ગુસ્સે થઈને BCB એ માંગ કરી કે તેની મેચો ભારતની બહાર ખસેડવામાં આવે.
બાંગ્લાદેશના રમતગમત સલાહકારે કહ્યું- અમે નમશું નહીં
બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે વધુ એક આકરું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે જો BCCI ના દબાણ હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) બાંગ્લાદેશ પર કોઈપણ અન્યાયી શરતો લાદે છે તો તે સ્વીકારવામાં આવશે નહીં. નઝરુલે અગાઉ ભડકાઉ નિવેદનો આપ્યા છે. આ વિવાદ જે ઘણા અઠવાડિયાથી ચાલી રહ્યો છે તે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યો નથી.
મંગળવારે સચિવાલયમાં બોલતા આસિફ નઝરુલે કહ્યું, “જો ICC, BCCI ના દબાણ હેઠળ અમારા પર કોઈપણ અન્યાયી શરતો લાદે છે તો અમે તેને સ્વીકારીશું નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આના ઉદાહરણો છે જ્યારે ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યો હતો જેના કારણે ICC ને સ્થળ બદલવાની ફરજ પડી હતી. અમે સ્થળ બદલવા માટે વાજબી વિનંતી કરી છે.
તાજેતરના અહેવાલ મુજબ ICC એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને 21 જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવા માટે અલ્ટીમેટમ જારી કર્યું હતું કે તેની ટીમ રમવા માટે ભારત જશે કે નહીં. રિપોર્ટ અનુસાર જો બીસીબી તેની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કરે છે તો રેન્કિંગના આધારે તેનું વર્લ્ડ કપ સ્થાન સ્કોટલેન્ડને આપવામાં આવશે.
જોકે બીસીબી મીડિયા કમિટીના ચેરમેન અમજદ હુસૈને જણાવ્યું હતું કે બીસીબીના અધિકારીઓ 17 જાન્યુઆરીએ આઈસીસીના પ્રતિનિધિ સાથે મળ્યા હતા. હુસૈનના જણાવ્યા મુજબ તે બેઠક પછી આઈસીસીએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સાથે ફરીથી સંપર્ક કરશે પરંતુ કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.
બીજી બાજુ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 ના મૂળ સમયપત્રકમાં ફેરફાર કરવા તૈયાર નથી. વર્તમાન સમયપત્રક મુજબ બાંગ્લાદેશને ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઇટાલી અને નેપાળ સાથે ગ્રુપ સીમાં મૂકવામાં આવ્યું છે. બાંગ્લાદેશ તેની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે.