સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને (Uday Umesh Latit) દેશના 49માં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમની નિમણૂક પર હસ્તાક્ષર કર્યા. નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ દેશના તત્કાલિન સીજેઆઈ (CJI) એનવી રમણે યુયુ લલિતને તેમના અનુગામી તરીકે પસંદ કર્યા હતા. તેમણે સરકારને (Government) જસ્ટિસ લલિતની નિમણૂક કરવાની ભલામણ કરી હતી.
- સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિત દેશના 49માં ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક
- જસ્ટિસ લલિત 27 ઓગસ્ટે દેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે
- જસ્ટિસ લલિતનો કાર્યકાળ ત્રણ મહિનાથી ઓછો રહેશે, તેઓ 8 નવેમ્બરે 65 વર્ષની વયે નિવૃત્ત થશે
- યુયુ લલિત સુપ્રીમ કોર્ટના અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓનો એક ભાગ રહ્યા છે તેઓ પાંચ જજોની બંધારણીય બેંચના સભ્ય પણ હતા જેઓએ ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો
જસ્ટિસ ઉદય ઉમેશ લલિત દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ યુયુ લલિતની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ યુયુ લલિત દેશના 49મા ચીફ જસ્ટિસ હશે. જસ્ટિસ લલિત 27 ઓગસ્ટે દેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે. જણાવી દઈએ કે જસ્ટિસ લલિત વર્તમાન CJI એનવી રમણનું સ્થાન લેશે. જસ્ટિસ એનવી રમણના 26 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે.
કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 124ની કલમ-2 ની જોગવાઈઓ હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક 27 ઓગસ્ટ 2022થી લાગુ થશે. જસ્ટિસ લલિતનો કાર્યકાળ ત્રણ મહિનાથી ઓછો રહેશે. તેઓ 8 નવેમ્બરે 65 વર્ષની વયે નિવૃત્ત થશે.
જસ્ટિસ લલિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોનો ભાગ રહ્યા છે
આગામી CJI તરીકે જસ્ટિસ લલિતનો કાર્યકાળ ત્રણ મહિના કરતાં ઓછો રહેશે કારણ કે તેઓ આ વર્ષે 8 નવેમ્બરે નિવૃત્ત થશે. જસ્ટિસ યુયુ લલિત સુપ્રીમ કોર્ટના અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓનો એક ભાગ રહ્યા છે. તેઓ પાંચ જજોની બંધારણીય બેંચના સભ્ય પણ હતા જેઓએ ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. જસ્ટિસ લલિતની આગેવાની હેઠળની બેંચે ત્રાવણકોરના તત્કાલિન રાજવી પરિવારને કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરનું સંચાલન કરવાની સત્તા આપી હતી. તે સૌથી ધનાઢ્ય મંદિરોમાંનું એક છે.
જસ્ટિસ લલિતની બેન્ચે ‘સ્કિન ટુ સ્કિન ટચ’ પર ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે બાળકના શરીરના જાતીય ભાગોને સ્પર્શ કરવો અથવા જાતીય ઉદ્દેશ્ય સાથે શારીરિક સંપર્કને લગતું કૃત્ય પોક્સો એક્ટની કલમ 7 હેઠળ જાતીય હુમલો ગણાશે. POCSO એક્ટ હેઠળના બે કેસમાં બોમ્બે હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદાને ફગાવી દેતા ન્યાયાધીશ લલિતની બેંચે અવલોકન કર્યું હતું કે હાઈકોર્ટે એવું માનવામાં ભૂલ કરી હતી કે કોઈ સીધો ‘સ્કીન ટુ સ્કિન’ સંપર્ક ન હોવાથી તે કોઈ જાતીય અપરાધ નથી. .
જસ્ટિસ લલિત એ બેંચમાં પણ હતા જેણે કહ્યું હતું કે હિંદુ લગ્ન અધિનિયમની કલમ 13B(2) હેઠળ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે નિર્ધારિત છ મહિનાની રાહ જોવાની અવધિ ફરજિયાત નથી. તાજેતરમાં જ જસ્ટિસ લલિતની આગેવાની હેઠળની બેંચે ભાગેડુ દારૂના વેપારી વિજય માલ્યાને અદાલતની અવમાનના બદલ ચાર મહિનાની જેલ અને 2000 રૂપિયાના દંડની સજા ફટકારી હતી.