સુરતઃ કાપોદ્રાના સિવિલ એન્જિનિયરને તેણે મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ, નકલી પાસપોર્ટ અને બેંક એટીએમ કાર્ડ મળ્યા હોવાનું કહી સાયબર માફિયાઓએ તેને મની લોન્ડરિંગ અને હ્યુમન ટ્રાફિકિંગના કેસ કરવાનું કહી ધમકાવી 23.50 લાખ પડાવ્યા હતા. સાયબર માફીયાઓ એન્જિનિયરને કસ્ટમ અધિકારી દિલ્હી પોલીસ અને સીબીઆઇ તરીકે ઓળખ આપી હતી. એન્જિનિયરે ઠગબાજો વિરુદ્ધ સાઇબર સેલમાં ફરિયાદ નોધાવી હતી
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા મમતાપાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલીના 31 વર્ષીય હાર્દિક નટવરલાલ ચાંચડ સિવિલ એન્જિનિયર છે અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગઇ તારીખ 29 નવેમ્બરના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં તેમના મોબાઇલફોન પર કોલ આવ્યો હતો. કોલ કરનારે તેની ઓળખ દિલ્હી કસ્ટમ વિભાગના સીઆરસીઆઇ અતુલસિંગ બોલતા હોવાનું જણાવ્યું તેણે કહ્યું હતુંકે 27મી નવેમ્બરના રોજ મુંબઇ ડિસ્પેચ થયેલા તેના પાર્સલમાંથી 16 ફેર પાસપોર્ટ, 58 બેંકના એટીએમ કાર્ડ અને 140 ગ્રામ એમડીએમએ મળી આવ્યું છે. જ્યારે હાર્દિકે પોતે આવું કોઇ પાર્સલ મોકલ્યું ન હોવાનું કહેતા આ ઠગ અતુલસિંગે હું તમને ગવર્મેન્ટની હોટ લાઇન પર કોલ દિલ્હી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું છે.
ત્યારબાદ કોલ લેનારે પોતે હેડ કોન્સ્ટેબલ સુનીલ વસંતકુંજ પોલીસ સ્ટેશનમાંથી બોલતા હોવાનું કહીને વોટ્સઅપ વિડીયો કોલ કર્યો હતો અને હાર્દિકના નામ સરનામા તેમજ બેંક એકાઉન્ટ સહિતની વિગત મેળવી લીધી હતી. બાદમાં આ ઠગ સુનિલે હાર્દિકને પોતાની ઓફિસ લોક કરીને એકલા બેસવા માટેનું કહ્યુ હતું. ત્યારબાદ હાર્દિક પર સીબીઆઇ ચીફ અનિલ યાદવના નામે ફોન આવ્યો હતો અને તમારા ખાતામાંથી હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડ્રીંગમાં ટ્રાન્જેકશન થયું હોવાનું જણાવ્યું હતું. પોતે આરબીઆઇમાં તેમના નાણા લિગલાઇઝ કરી આપવાનું કહીને નાણા પડાવવાનુ શરૂ કર્યું હતું ત્યારબાદ ફરી સુનિલનો ફોન આવ્યો હતો. કેસ પતાવવાનું કહીને બંને જણાએ ટુકડે ટુકડે રૂ.23.50 લાખ પડાવી લીધા હતા. અને આ નાણાનો બોગસ નોટરાઇઝ લેટર પણ મોકલી આપ્યો હતો. જોકે નાણા પરત ન આવતા તપાસ કરીતો તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી હાર્દિકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.