SURAT

કેમેરાના ભરોસે શહેરનો ટ્રાફિક, પ્રતિબંધ છતાં દિવસે ટ્રકો રસ્તા પર દોડે છે…, કોણ રોકશે?

સુરતઃ સુરત શહેર પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ અનુપમસિંહ ગેહલોતે તરત જ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુચારું કરવા મહેનત કરી હતી, પરંતુ તેમની આ મહેનત કાગળ પર જ રહી ગઈ હોય તેમ લાગે છે. રોડ પર વાસ્તિવકતા અલગ જ છે. કેટલાંક વાહનચાલકો સિગ્નલ પર ઉભા રહેવા લાગ્યા છે પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં લોકો નિયમ પાળતા નથી, હેલ્મેટ પહેરતા નથી અને રોંગ સાઈડ વાહનો હંકારી રહ્યાં છે.

  • પોલીસ કમિશનર જવાબ આપે, દિવસે શહેરના રસ્તા પર ટ્રકો કેમ દોડી રહી છે
  • ચાર રસ્તા પર ઉભી રહેલી પોલીસને માત્ર દંડ વસૂલાતમાં જ રસ
  • શહેરના જાગૃત વકીલની ટ્રાફિક સમસ્યા અંગે સુરત શહેર પોલીસ કમિશ્નર અને ટ્રાફિક ડી.વાઈ.એસ.પી.ને તાત્કાલિક એક્શન લેવા વિનંતી

એટલું જ નહીં પ્રતિબંધ હોવા છતાં દિવસે બેફામ ટ્રક જેવા ભારે વાહનો શહેરના રસ્તા પર દોડી રહ્યાં છે, તેની પર કોઈનો અંકુશ નથી. આ બધું અનુપમસિંહ ગેહલોતની પોલીસની નજર સામે થતું હોવા છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નથી. જાણે બધું જ કેમેરાના ભરોસે છોડી દીધું હોય તેવું ચિત્ર રોડ પર જોવા મળી રહ્યું છે. આ મામલે શહેરના એક જાગૃત વકીલે શહેર પોલીસ કમિશનર અને ટ્રાફિક ડીસીપીને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

વકીલ આશિષ સેલર કહે છે કે, બધું કેમેરાના ભરોસે ન છોડી દેવાય. નિયમના ઉલ્લંઘનના કિસ્સામાં કેમેરામાં જોઈ દંડ વસૂલી શકાય પરંતુ અકસ્માત ટાળી શકાય નહીં. અકસ્માતો અટકાવવા માટે સિગ્નલ પર નિયુક્ત પોલીસ કર્મચારીએ પોતાની ફરજ નિભાવવાની હોય છે, પરંતુ તેમ થતું નથી. પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર કામગીરી યોગ્ય રીતે થાય તે નક્કી કરવું જોઈએ.

વકીલે આ મુદ્દા ઉઠાવ્યા

  1. દિવસ દરમ્યાન સિટી એરિયામાં ભારે વાહનોની અવરજ્વર ઉપર પ્રતિબંધ હોવા છતાં રાંદેર રોડ અડાજણ પાટીયાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ, દાંડી રોડ, ભેંસાણ રોડ ખાતે આખા દિવસ દરમ્યાન ભારે વાહનો બેફામ રીતે ફરે છે અને ઘણી હાઈવા ટ્રકમાં પાછળના ભાગે નંબર પ્લેટ પણ નથી હોતી જે ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર સીધી શંકા ઉપસ્થિત કરે છે.
  2. અડાજણ ચાર રસ્તા થી મોરાભાગળ ચાર રસ્તાનાં કોઈપણ સિગ્નલ ઉપર મહત્તમ સમય દરમ્યાન પોલીસ સ્ટાફની ગેરહાજરી હોઈ છે અથવા પોલીસ સ્ટાફ અને ટી.આર.બી. સ્ટાફ આજુબાજુ ખૂણા ખાચડામાં બેસીને મોબાઈલમાં વ્યસ્ત હોઈ છે. જે અંગે મે અનેક વખત ફોટા સહિત ફરિયાદો કરી છે.
  3. પાલનપુર પટીયા થી પાલનપુર જકાતનાકા તરફનું જમણી બાજુનું સિગ્નલ 30 સેકન્ડ પહેલા બંધ થવાને કારણે અને રામનગર તરફનનું સિગ્નલ 30 સેકન્ડ જલ્દી ચાલુ થવાને કારણે વાહચાલકો ચાર રસ્તા વચ્ચે ફસાઈ જાય છે અને જે એક ટેક્નિકલ ખામી હોવા છતાં પોલીસનાં કેમેરામાં આવતા જ તેમના મોબાઈલ ઉપર દંડનો મેમો આવી જાય છે.
  4. ટ્રાફિક સિગ્નલ ખાતે ફરજ બજાવવાને બદલે અને ટ્રાફિક કન્ટ્રોલ કરવાને બદલે પોલીસ મહતમ સમય દરમ્યાન જહાંગીરપુરા ડભોલી બ્રિજની નીચે યાને ટ્રાફિક પી. આઈ. ની કચેરીની આજુબાજુ તથા ભેસાણ ચાર રસ્તા અને ઉગત કેનાલ રોડ ખાતે ગમે ત્યાં ઉભી રહીને નાના ટેમ્પો ચાલકો અને વાહચાલકો પાસે દંડ ઉઘરાવે છે. જ્યાં લોકો દ્વારા ભ્રષ્ટાચાર/તોડપાણી કરતાં હોવાની પણ વ્યાપક ફરિયાદો થાય છે.
  5. જહાંગીરપુરા-ડભોલી બ્રિજ ઉતરીને મહતમ વાહનચાલકો બી.આર.ટી.એસ. રૂટમાં પ્રવેશ કરે છે અને બેંક ઓફ બરોડા-ડિસેન્ટ ફર્નિચર વાયા થઈને બ્રિજની નીચે જ્યાં ટ્રાફિક પી. આઈ. શ્રી ની કચેરી આવેલ છે ત્યાંથી મહતમ વાહચાલકો આખા દિવસ દયમ્યાન રોન્ગ સાઈડ જતા હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરે છે.

Most Popular

To Top