વડોદરા: શહેરની નિદ્રાધીન પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી રહેલા તસ્કરોએ ગુરૂવારે મોડી રાત્રે રાવપુરા પોલીસ મથકથી માત્ર અડધો કિમી દૂર અને શહેર પોલિસની મુખ્ય શાખા ગણાતી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી ફક્ત 50 મીટર નજીકની 6 દુકાનોના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સવારે દુકાનો ખોલવા માટે આવેલા વેપારીઓને ચોરીની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી જઇ તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ દુકાનો સ્થિત CCTVથી બચવા માટે નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, પોલીસે દુકાનો તેમજ આસપાસમાંથી CCTV ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો.
શહેરના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે આવેલી શહેર પોલીસની મખ્ય શાખા પૈકીની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસની નજીક આવેલ કાપડ, ફર્નિચર, સ્પોર્ટ્સની દુકાનો સહિત 6 દુકાનોના શટરોના તાળાં તોડી તસ્કરો રોકડ ચોરી કરી ગયા હતા. સવારે રાબેતા મુજબ દુકાન ખોલવા માટે આવેલા વેપારીઓએ દુકાનના શટરના તાળા તૂટેલા જોતા ચોંકી ઉઠ્યા હતા. એક પછી એક છ વેપારીઓએ પોતાની દુકાનોના તાળાં તૂટ્યા હોવાની વાત કરતા આસપાસના વેપારીઓ એકઠા થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ રાવપુરા પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
તસ્કરોએ દુકાનની બહાર અને દુકાનની અંદર લગાવેલા CCTVથી બચવા માટે CCTVને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, પોલીસે અન્ય દુકાનો અને આસપાસમાં લાગેલા CCTV ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યું છે. દુકાનોમાં કેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને 6 દુકાનોમાંથી કેટલાં મુદ્દામાલની ચોરી કરી ગયા તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જોકે હાથફેરો કરવામાં તસ્કરો નિસ્ફળ રહેતા વેપારીઓએ ફરિયાદ કરવાનું તળિયું હતું.
નિદ્રાધીન શહેર પોલીસના લીધે ગુનાખોરી રેશિયો ચિંતાજનક
શહેરમાં દિવસે દિવસે ગુનાખોરી રેશિયો ચિંતાજનક ઉંચો જઇ રહ્યો છે. એકતરફ શહેરમાં નિંદ્રાધીન પોલીસના કારણે સતત ચોરીના બનાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બેફામ બનેલા તસ્કરો અલગ-અલગ સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપી શહેર પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે પડકાર ફેંકી રહ્યા છે.