સિટીબસમાં પેસેન્જર વગર ટિકીટે પકડાશે તો પેસેન્જરને દંડ થશે. તે અનુસંધાને વાત કરીએ તો બી.આર.ટી.એસ.બસમાં સ્ટેશન પર ટિકિટ લેવાની વ્યવસ્થા હોય છે એટલે કોઈ વાંધો નથી આવતો. વળી ઊતરતી વખતે પણ ટિકિટ ચેક થાય છે. પરંતુ સિટીબસમાં જ્યાંથી બસ ઊપડે છે તે સ્ટેન્ડ તથા વચ્ચે આવતા સ્ટેન્ડ પર ટિકિટ લેવાની વ્યવસ્થા ન હોવાથી પેસેન્જરે કંડક્ટર પર જ નિર્ભર રહેવું પડે છે. કેટલાક કંડક્ટર તો પેસેન્જરને ટિકિટ લેવી હોય તો પણ પેસેન્જરની પાસે આવતા નથી. ક્યારેક બસ એટલી બધી ભરેલી હોય છે કે કંડક્ટર પેસેન્જર પાસે આવે ત્યારે પેસેન્જરનું સ્ટેન્ડ આવી ગયું હોય છે.
એવું પણ બની શકે કે કંડક્ટરે જ ટિકિટ ના આપી હોય અને પેસેન્જરે ટિકિટ માંગી ન હતી એવો કંડક્ટર દ્વારા જવાબ મળે. માટે સિટીબસના દરેક સ્ટેન્ડ પર ટિકિટ મળે તેવી વ્યવસ્થા થવી જોઇએ. જેની પાસે પાસ ન હોય તેવા માટે જ્યારથી ત્રીસ રૂપીયાવાળી ટિકિટ ચાલુ થઇ ત્યારથી સમજુ પેસેન્જરો ત્રીસ વાળી ટિકિટ લે જ છે પરંતુ ત્રીસ વાળી ટિકિટ લીધી હોય એટલે કંડક્ટર પૈસા માંગી શકતો નહીં એટલે મશીન બંધ છે વાળા બહાના ચાલુ કરેલા. કેટલાક અસામાજિક તત્વો કંડક્ટરને હેરાન કરતા હોય છે. તેમાં કેટલાક નાના છોકરાઓ પણ બસમાં ચડી આવે છે. હવે કંડક્ટરની જવાબદારી ઓછી થતાં પેસેન્જર અને ચેકર વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના વધી જશે.
સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે\
દેશમાં વકીલો પર થતા હુમલાઓ માટે જવાબદાર કોણ?
ભારતમાં સૌથી મોટો ચોંકાવનારો પ્રશ્ન એ છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી આપણે વર્તમાનપત્રો અને ટેલિવિઝન માધ્યમથી જોતાં આવીએ છીએ કે જાહેર માર્ગ અને ચાલુ કોર્ટમાં વકીલો પર હિંસક હુમલાઓ થતાં હોય છે ત્યારે સ્વાભાવિક રીતે સામાન્ય નાગરિકોમાં સતત એ વાતનો ડર પ્રવેશ કરી જાય છે કે જ્યારે જે વકીલો પર ન્યાયનાં મંદિરમાં અસામાજિક તત્વો અને અમુક કિસ્સાઓમાં પોલીસ, સત્તાધીશો દ્વારા હુમલાઓ કરવામાં આવતા હોય છે ત્યારે આ અતિ સંવેદનશીલ ગંભીર બનાવ માટે જવાબદાર કોણ? વકીલો પર આવા પ્રહારને ડામવા માટે કેમ કોઈ ખાસ કાયદો બનાવવામાં આવતો નથી?
જે રીતે વકીલોનું બાર કાઉન્સિલ હોય છે તે પ્રમાણે તેમના રક્ષણ અર્થે કોઈ એક અલાયદી સુરક્ષા જે તે રાજ્યોના ગૃહવિભાગ તરફથી વકીલોને કેમ સુરક્ષા ફાળવવામાં આવતી નથી? આમ જોવા જઈએ તો વકીલ જ્યુડિશિયલ ઑફિસર ગણાય અને તેઓની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે તે કેટલું યોગ્ય ગણાય? આવી વિકટ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિક ન્યાયની જાણકારી અને ન્યાય મેળવવા અર્થે કોની પાસે જશે?
વડોદરા – રાજેશ ગોડિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.