સુરત(Surat) : સુરતના કતારગામ (Katargam) અને ચોક વિસ્તારને જોડાતા ઓવર બ્રિજ (Over Bridge) નીચે સુરત મનપા (SMC) દ્વારા સંચાલિત સિટી બસને (City Bus) આજે મંગળવારે અકસ્માત (Accident) નડ્યો હતો. મુસાફરોથી ભરેલી બસ બ્રિજના પિલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં એક વૃદ્ધાને ઈજા થઈ હતી, જેના લીધે ગુસ્સે ભરાયેલા લોકોએ બસ પર ચઢી જઈ તોડફોડ મચાવી હતી. બસનો ડ્રાઈવર નશામાં બસ હંકારી રહ્યો હોવાનો આક્ષેપ મુસાફરો (Passengers) દ્વારા કરવામાં આવ્યો છે.
- કતારગામ અને ચોક વચ્ચેના ઓવરબ્રિજ નીચે અકસ્માત
- સિટી બસનો ડ્રાઈવર દારૂના નશામાં ધૂત હોવાનો મુસાફરોનો આક્ષેપ
- અકસ્માત બાદ વિફરેલા મુસાફરોએ બસમાં તોડફોડ કરી
- અકસ્માત બાદ ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ભાગી ગયો
- સુરત મનપાએ ઘટનાની તપાસના આદેશ આપ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામ અને ચોક વચ્ચેના ઓવરબ્રિજ નીચે આજે સુરત મનપા સંચાલિત સિટી બસ (GJ-05-BX-3321) ને અકસ્માત નડ્યો હતો. બસ ઓવરબ્રિજના પિલર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર દારૂના નશામાં બસ હંકારી રહ્યો હોવાનો મુસાફરોએ આક્ષેપ કર્યો છે. આ અકસ્માતમાં બસમાં બેઠેલા એક વૃદ્ધાને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. બસ જ્યારે પિલર સાથે ધડાકાભેર અથડાઈ ત્યારે જ બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. મુસાફરોએ કહ્યું કે, દારૂના નશામાં ડ્રાઈવર બસ ચલાવી રહ્યો હતો અને એટલે જ બસ પિલર સાથે અથડાઈ છે. ડ્રાઈવર સાઈડમાં બસની છતનો આખો ભાગ બ્રિજના પિલર સાથે ઢસડાઈને કપાઈ ગયો હતો, જેના લીધે બસને ઘણું નુકસાન પહોંચ્યું હતું. બસનો કાચ પણ ફૂટી ગયો હતો.
સુરત મનપાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. નાયકે કહ્યું કે, બ્રિજ નજીકથી પસાર થતી વખતે સિટી બસના ચાલકે બ્રિજની ગડર સાથે બસ અથડાવી હતી. ડ્રાઈવરનું નામ પ્રવીણ ચૌહાણ છે. અકસ્માત બાદ તે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. લોકોનો ગુસ્સો જોઈ તે ગભરાઈ ગયો હશે. ઘટના અંગે કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવશે. ડ્રાઈવર નશામાં હતો કે નથી તે અંગે કોઈ અધિકૃત માહિતી મળી નથી. તે અંગે પણ તપાસ કરવામાં આવશે.