Comments

દરેક બજેટે નાગરિક  છેતરાય છે

આ સરકાર વેપારી સરકાર છે. એમના માટે દેશનો નાગરિક ચૂંટણી હોય ત્યારે મતદાતા છે બાકીના સમયે ગ્રાહક છે. ગ્રાહકને કોઇ વેપારી ફાયદો નહીં કરાવી શકે, તે તો તેમના નફા માટે હોય છે. હા, ગ્રાહકને લલચાવનારી જાહેરાતો કરી શકે. હમણાં રજૂ થયેલું બજેટ બસ એવું છે. નિર્મલા સીતારામન કયારેક દેશનાં લોકોના સમગ્ર વિકાસને સામે રાખતાં નથી બલ્કે લોકો જે કમાય તેમાંથી સરકારને વધુમાં વધુ શું મળે એ જ જોતી હોય છે. સામાન્ય લોકો ટેકસ સ્લેબને જોયા કરે છે પણ બીજી કઇ રીતે તેમનું જીવવું મુશ્કેલ બન્યું તે તો બીજા વ્યવહારોમાં પડે ત્યારે જ સમજાશે. સરકાર યુવાનોને નોકરી રોજગારી આપી શકતી નથી અને તે કારણે આર્થિક અપરાધો વધ્યા છે.

સરકાર પાસે તેના કોઇ ઉપાય નથી. નવા રોજગારનું વચન પોતે કાંઇ રોજગાર બની શકતું નથી. આટલાં વર્ષ થયાં નોકરી મેળવવા ઇચ્છુકો હતાશ અને બહાવરા થયા છે. સરકાર કહે છે ભણો. પણ સ્કુલ, કોલેજોમાં ભણવું મોંઘું અને સ્તર વિનાનું થયું છે. ડિગ્રી પછી નોકરી અપાતી નથી. સરકાર ખાનગીકરણના બહાને જવાબદારીથી છૂટી રહી છે અને મોટાં ઉદ્યોગગૃહોને હવાલે નોકરીઓ કરી નાંખી છે. સરકારે જયાં નોકરી આપવાની હોય ત્યાં પણ કાયમી આપતા નથી અને કોન્ટ્રાકટ પર રાખે છે. વર્તમાન સરકાર ખૂબ છેતરામણી છે. દેશનો યુવાવર્ગ વિદેશ જવામાં જ સલામતી અનુભવે છે. આપણે આ બધું કયારે સમજીશું.
સુરત     – અશ્વિન પાઠક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભારત દેશ બોડી બામણીનું ખેતર છે
ઉપરોક્ત મથાળા પાછળ પ્રશ્ન ચિહ્ન લગાડી શકાય. તમે ગમે ત્યાં જાવ. ભિખારીના વેશમાં, કે પરચુરણ ચીજવસ્તુ, રમકડાં વેચતાં લઘર-વઘર પહેરવેશવાળાં સ્ત્રી-પુરુષો સાથે બાળકો તો ખરાં જ, એવા વ્યક્તિઓ ગમે ત્યાં રખડતાં જોવા મળે છે. આમ, રખડતાં સ્ત્રી-પુરુષો કે બાળકોની ઓળખ કરવાવાળો કોઈ સરકારી વિભાગ છે ખરો?! આ રખડતાં લોકોમાં અન્ય રાજ્યના તડીપારો, ગુનાહીત કૃત્ય કરી ભાગી છૂટેલા કે સ્લીપર સેલનું કામ કરનાર નહીં હોઈ શકે તેની કોઈ ખાતરી ખરી? સાધુ- બાવા કે મૌલવીઓની કોઈ ઓળખ થાય છે ખરી?

તાજા સમાચાર મુજબ પહેલા ચરણમાં મણિપુરમાં રહેતા 77 અવૈધ ઘૂસપેઠીયાને મ્યાનમારની સરકારને સોંપી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો હોય તેવા અને રાષ્ટ્રીય સંપત્તિઓને નુકસાનકર્તા ઘૂસપેઠીયોમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી બિનહિન્દુઓ પણ હતાં. ભારતમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પણ પાસપોર્ટ-વિઝાની પ્રથા ચાલુ કરવી પડે તેવી ખતરનાક પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો હોય ત્યારે પાસપોર્ટ-વિઝાની વાતને મજાકમાં કે હસ્ત કાઢવા જેવી નથી.
સુરત     -પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top