Comments

મતદાતા યાદી સુધારણા અંગે નાગરિકી ચિંતા

જૂન મહિનાથી બિહારની મતદાતા યાદી સુધારણાની પ્રક્રિયા ચર્ચામાં છે. સુધારણા પ્રક્રિયા શરુ કરવા પાછળનો હેતુ હતો કે કોઈ યોગ્ય નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહેવો જોઈએ નહીં અને કોઈ બિન-નાગરિક યાદીમાં ઘુસવો જોઈએ નહીં. વિપક્ષ, સામાજીક અને રાજકીય કાર્યકર્તા, વકીલો, અને નિસ્બત ધરાવતા નાગરિકો તરફથી ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા. અંતે આંકડો આવ્યો – પાંસઠ લાખ લોકોના નામ યાદીમાંથી નીકળી ગયા! આ બહુ મોટો આંકડો છે.

આશરે સુરત શહેરની વસ્તી જેટલો! યાદીમાંથી એ લોકોનું નામ બાદ થાય જે ક્યાં તો મૃત્યુ પામ્યાં છે અથવા કાયમી સ્થળાંતર કરી ગયાં છે અથવા ગેરકાનૂની રીતે દેશમાં ઘૂસીને રહી રહ્યા છે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ ૨૨.૩૫ લાખ મૃતકો અને ૩૬.૨૬ કાયમી સ્થળાંતર કરી ગયેલા લોકોના નામ બાદ કરવામાં આવ્યા છે. આમ તો દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મૃત્યુ પામેલાનાં નામ બાદ કરી અને અઢારની વયે પહોંચેલાના નામ જોડી યાદી સુધારવામાં આવે જ છે એટલે પાંસઠ લાખ જેવડા મોટા આંકડાનો તર્ક સમજાતો નથી.

ભારતનું બંધારણ પુખ્ત વયના દરેક નાગરિકને મતાધિકાર આપે છે – સિવાય કે વ્યક્તિ માનસિક રીતે અસ્થિર જાહેર કરવામાં આવ્યો હોય કે કોઈ ગેરકાનૂની વ્યવહારને કારણે એના મતાધિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય. જો કે મતાધિકારનો સમાવેશ મૂળભૂત અધિકારની યાદીમાં નથી! ભારતના દરેક પુખ્ત નાગરિક સુધી પહોંચી મતદાતા યાદી તૈયાર કરવાનું કામ ચૂંટણી પંચનું છે. કોઈએ નાગરિકતા સાબિત કરવાની હોતી નથી. બિહાર વર્તમાન મતદાતા યાદીની સુધારણા પ્રક્રિયા (એસ.આઈ.આર) માં પહેલી વાર નાગરિક હોવાની સાબિતી આપવાની જવાબદારી મતદાતાના ભાગે આવી. ભારતનું બંધારણ ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવાની અને એમાં વખતોવખત સુધારા કરવાની સત્તા આપે છે.

પુખ્ત મતાધિકાર માટે મતદારને લાયક કે ગેરલાયક ઠેરવવાના માપદંડ નક્કી કરતી જોગવાઈ બંધારની કલમ ૩૨૬ તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 માં આપેલી છે. બંનેની જોગવાઈઓને આધારે મતદાર યાદી માટે ગેરલાયક ઠેરવવા માટેના બે મુખ્ય માપદંડ છે – એક, બિન-રહીશ એટલે કે કાયમી સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિ અને બે, બિન-નાગરિક. એટલે કે બિન રહીશ સિવાય જો કોઈનું નામ મતદાર યાદીમાંથી રદ થાય છે તેનો મતલબ એ વ્યક્તિ દેશનો નાગરિક નથી! પરિણામે બંધારણ તરફથી નાગરિકને મળતા દેશમાં મુક્ત રીતે રહેવા, હરવા, ફરવા, બોલવા, વ્યવસાય કરવા, ધર્મ પાળવાનો મૂળભૂત અધિકારને પાત્ર રહેતો નથી!

જો કોઈ વ્યક્તિ ખરેખર દેશનો નાગરિક નથી અને ગેરકાનૂની રીતે ભારતીય હોવાના અધિકાર ભોગવી રહ્યો હોય તો અલબત્ત એને મતદાનનો અધિકાર નથી અને યોગ્ય કાનૂની પ્રક્રિયા વિના મળવો પણ ના જોઈએ. પણ, એક જ રાજ્યમાં લાખોની સંખ્યામાં વિદેશીઓ ગેરકાનૂની રીતે રહેતા હોય અને એમના નામ મતદાર યાદીમાં ઘુસી ગયા હોય શું એ શક્ય છે? શું આપણી કાયદો અને વ્યવસ્થા એટલા ખરાબ છે? હકીકત એ છે કે ઘણાં મોટા પ્રમાણમાં ભારતના નાગરિકોનાં જ નામ યાદીમાં આવ્યા નથી. મૃતકોની યાદીમાં શામેલ ઘણા લોકો જીવિત હોવાની વાતો બહાર આવવા માંડી છે. તેઓ અપીલ કરશે અને ઘણાના નામ સુધારાયેલી આખરી યાદીમાં આવી પણ જશે પણ, મુદ્દો એ નથી. મુદ્દો નાગરિક મનમાં ઊભી થયેલી ચિંતા છે, કારણ કે આ પ્રક્રિયામાં એની નાગરિકતા પર જ ખતરો ઊભો થયો છે અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો થયો છે.

આઝાદ ભારતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી સામે ઘણાં પડકાર આવ્યા છે. રાજકીય પક્ષોના બદ ઈરાદા તેમજ સામંતવાદી સામાજિક વ્યવસ્થાના સમન્વયનાં પરિણામે ચૂંટણીમાં બોગસ વોટીંગથી લઈને હિંસાની ઘટના જેવા પ્રશ્નો આપણી ચૂંટણી પર ડાઘ બનીને સામે આવતી જ રહે છે. ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ઊભા થઇ રહેલા સવાલ પણ પહેલીવારના નથી પણ આ વખતે પહેલી વાર લોકોના મતાધિકાર જળવાશે કે નહીં અને સાથે નાગરિક તરીકેના અધિકાર બચશે કે નહીં એ અંગે પ્રશ્ન ઊભા થઇ રહ્યા છે. ગરીબ અને વંચિતો માટે ભય વધારે છે કારણ કે જન્મનો દાખલો, કે શાળાનું સર્ટીફીકેટ કે સરકારી કચેરીનું ઓળખપત્ર જેવા દસ્તાવેજ એમની પાસે હોવાની શક્યતા ઓછી છે. આ જ દલીલ યોગેન્દ્ર યાદવે સુપ્રીમ કોર્ટમાં મુદ્દાસર રીતે કરી. એક નાગરિક તરીકે તેમની સુસજ્જતા બદલ કોર્ટે તેમની પ્રશંસા પણ કરી.

બિહારની મતદાતા યાદી સુધારણાની પ્રક્રિયા રાજકીય પ્રશ્ન બની ગયો છે. આ સાથે રાહુલ ગાંધી એ બેંગ્લોરના મહાદેવપુરા મત વિસ્તારમાં આશરે એક લાખ જેટલા મતદાતાઓના નામનો ગોટાળો જાહેર કર્યો એનાથી મતદાતા યાદીની અંગે ઘણી શંકા ઊભી થઇ છે, જે અંગે ચૂંટણી પંચ સંતોષકારક જવાબ આપવાનું ટાળી રહ્યું છે. પક્ષીય રાજકારણ એના સ્થાને છે. એમાં ના પડીએ તો પણ એક સામાન્ય નાગરિક માટે આ ચિંતાનું કારણ છે, કારણ કે વહેલું મોડું દરેક રાજ્યમાં દરેક નાગરિકે પોતાની નાગરિકતા સાબિત કરવાની આવશે. ઉપરાંત જો સુધારણાના નામે ભૂલો વધવાની હોય તો એ સુધારણા શા કામની?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top