સુરતઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (SuratInternationalAirport) પર આજે શનિવારે ચોંકાવનારી ઘટના બની છે. અહીં સીઆઈએસએફ (CISF) જવાનના આપઘાતના (Sucide) પ્રયાસથી ખળભળાટ મચી ગયો છે. જવાને એરપોર્ટના બાથરૂમમાં પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી હતી. લોહીલુહાણ હાલતમાં જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હોવાની માહિતી સાંપડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઈએસએફના જવાન કિશન સિંગે એરપોર્ટના બાથરૂમમાં જઈ પોતાની બંદૂકથી પોતાના પેટમાં ગોળી મારી છે. 30 વર્ષની વયના મૂળ જયપુરના વતની કિશન સિંહને ઇજાગ્રસ્ત હાલતમાં ગ્લોબલ શનશાઈન હોસ્પિટલ લઈ જવાયો હતો. આ તરફ ટર્મિનલ બિલ્ડિંગમાં ફાયરિંગના અવાજથી નાસભાગ મચી ગઈ હતી. અન્ય CRPF જવાનો એ ટોયલેટ નો ભાગ કવર કરી કિશનસિંહને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.
કિશન સિંગે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ જાણી શકાયું નથી. સમગ્ર ઘટનાના પગલે એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. એરપોર્ટ – ડુમસ પોલીસે ટર્મિનલ માં કિશનસિંહ સાથે તહેનાત સાથી CRPF જવાનોની પૂછપરછ શરૂ કરી છે. મૃતદેહ ફોરેન્સિક પીએમ.માટે સિવિલ હોસ્પિટલ મોકલાશે.
એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા
કિશન સિંહ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2022માં ફરજ પર આવ્યા હતા. તેઓએ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. એક વર્ષ પહેલાં કિશન સિંહના લગ્ન થયા હતા. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતી. આજે શનિવારે તા. 4 જાન્યુઆરીએ સહકર્મીઓ સાથે વાતચીત કરી ત્યારે તેઓ સામાન્ય લાગતા હતા.
ત્યાર બાદ અચાનક કિશન સિંહ બાથરૂમમાં ગયા અને પોતાની બંદુકથી પોતાના પેટમાં ગોળી મારી લીધી હતી. ગોળીનો અવાજ સાંભળી સીઆઈએસએફના જવાનો બાથરૂમ તરફ દોડ્યા હતા. દરવાજો અંદરથી બંધ હતો. તે ન ખૂલતા જવાનો બાથરૂમની છત પરથી અંદર કૂદયા હતા. ત્યાં સુધી કિશન સિંહ જીવતા હતા.
આપઘાત કે અકસ્માત?
કિશન સિંહના મોત બાદ એવી ચર્ચા પણ ઉઠી છે કે તેમણે આપઘાત કર્યો નથી, પરંતુ અકસ્માતે તેમના પેટમાં ગોળી વાગી છે. કારણ કે આજે સવારે કિશન સિંહ ડ્યુટી પર આવ્યા ત્યારે તે ખૂબ નોર્મલ હતા. તેઓ સાથી CRPF જવાનો સાથે હળવી મસ્તી કરતા પણ દેખાયા હતાં. એવું સાથી CRPF જવાનો એ પોલીસને કહ્યું છે. હવે કિશનસિંહ એ આપઘાત કર્યો કે ટોયલેટમાં બેસતી વખતે લોડેડ રિવોલ્વરનું ટ્રિગર ભૂલથી દબાઈ ગયું એ તપાસનો વિષય છે. પીએમ રિપોર્ટ બહાર આવે ત્યાર બાદ સ્થિતિ સ્પષ્ટ થશે