SURAT

સુરત એરપોર્ટ પર એક મહિનામાં જ CISFનો સિક્યોરિટી બંદોબસ્ત ગોઠવાશે, એરપોર્ટ ઓથોરિટીએ આ કાર્યવાહી કરી

સુરત: બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (Civil Aviation Security) અને કેન્દ્રના ગૃહ મંત્રાલય (Home ministry) દ્વારા સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ (Surat Custom Notified Airport) માટે 356 સીઆઇએસએફના (CISF) જવાનો અને અધિકારીઓનું મહેકમ ગયા વર્ષે મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ સીઆઇએસએફના સ્ટાફ માટે રહેઠાણની વ્યવસ્થા અને એરપોર્ટની અંદર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું નહીં હોવાથી સીઆઇએસએફનો બંદોબસ્ત ગોઠવાયો ન હતો. હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સીઆઇએસએફની સુવિધાઓ માટે ઇક્વિપમેન્ટ ખરીદવા ટેન્ડર ઇશ્યુ કર્યું છે. તેના લીધે ચાલુ વર્ષના અંત સુધીમાં સુરત એરપોર્ટ પર સીઆઇએસએફનો બંદોબસ્ત ગોઠવાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરતના તત્કાલીન પોલીસ કમિશનર અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના તે સમયના ડીજી રાકેશ અસ્થાનાએ 350થી વધુ સીઆઇએસએફના જવાનોનો મહેકમ સુરત એરપોર્ટની રાઉન્ડ ધ કલોક ચોવીસ કલાક સિક્યોરિટી માટે મંજૂરી કર્યું હતું. પ્રારંભિક તબક્કે 150 જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત પાઠવવામાં આવી શકે છે. અત્યારે સીઆઇએસએફના સ્ટાફ માટે જોઇનિંગ કટ ઓફ ડેટ ડિસેમ્બર મહિનાની રાખવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સીઆઇએસએફના જે જવાનો એકલા આવવાના છે અથવા જે જવાનો પરિવાર સાથે સુરત આવશે તેમના માટે રહેઠાણની વ્યવસ્થાની શોધ કરાય છે. એરપોર્ટ પરિસરના 10 કિ.મી.ની ત્રિજયામાં તેમના માટે ભાડાનાં મકાનોની અને અધિકારીઓ માટે રો હાઉસ કે બંગલાની શોધ કરવામાં આવી છે.

વિદેશી એરલાઇન્સ કંપની વિમાન સેવાઓ માટે અચકાતી હતી તે સમસ્યા દૂર થશે

ભારતમાં સુરત એરપોર્ટ એકમાત્ર એવું કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ છે, જ્યાં સીઆઇએસએફનો બંદોબસ્ત નથી. અહીં એરપોર્ટ અને પેસેન્જરોની સલામતીની વ્યવસ્થા સુરત પોલીસના 140 જવાન પાસે છે. સીઆઇએસએફનો બંદોબસ્ત નહીં હોવાથી સ્થાનિક અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ કંપની સુરત એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેટ કરવા માટે અચકાતી હતી અને ઘણીવાર તેમના સૂચનમાં સીઆઇએસએફનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલાં સીઆઇએસએફનું મહેકમ મંજૂર થવા છતાં સ્થાનિક એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટની અંદર સિક્યોરિટી વ્યવસ્થા માટે અને એરપોર્ટની બહાર રહેઠાણ માટે કોઇ સુવિધા ઊભી નહીં કરતાં સીઆઇએસએફનો બંદોબસ્ત વિલંબમાં મુકાયો હતો. આ મામલે સુરતના સાંસદો, એરપોર્ટ અવેરનેસ ગ્રુપ દ્વારા સરકારમાં રજૂઆત કરાતાં એરપોર્ટ ઓથોરિટી હવે ઇક્વિપમેન્ટ માટે ટેન્ડર ઇશ્યુ કર્યું છે.

Most Popular

To Top