સુરતઃ શહેરના ટોચના બિલ્ડરો સામે સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી બનાવી કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચરવાના કેસમાં બિલ્ડરો સામે ગુનો દાખલ થયો છે.
શહેરનાં ડુમસ એરપોર્ટ પાસે સાયલન્ટ ઝોનના નામે રોકાણકારો, ખેડૂતો અને સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો વિરૂદ્ધ અંતે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શહેરનાં નામાંક્તિ બિલ્ડરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા બિલ્ડર લોબીમાં સાયલેન્ટઝોનના નામે ખેલવામાં આવેલ કરોડોના ખેલની ચર્ચાએ વધુ એક વખત જોર પકડ્યું છે. ખેડુતોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને સાયલન્ટ ઝોનના નામે રોકાણકારોને દસ્તાવેજો બનાવી આપનાર સમૃદ્ધિ કોર્પોરેશન વિરૂદ્ધ સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ચારેય બિલ્ડરો શહેરના બાંધકામ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે.
ચારેય ભેગા મળી સમૃદ્ધિ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી શરૂ કરી હતી. આ પેઢી હેઠળ બિલ્ડરોએ સુરત ડુમસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોનમાં 5 લાખ વારની અંદાજિત 2500 કરોડની જમીનનો વેપલો કર્યો હતો. જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ આચર્યું હતું. સરકાર સાથે હજારો કરોડની છેતરપિંડી કરી હતી. આ કૌભાંડનો ખુલાસો થતા સીઆઈડી ક્રાઈમે ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
સીઆઈડી ક્રાઈમના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ટૂંક સમયમાં ચારેય બિલ્ડરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કૌભાંડ બહાર આવતા ગાંધીનગર સુધી ઘેરા પડઘાં પડ્યાં છે.
શું છે મામલો?
શહેરનાં ઘોડદોડ રોડ ખાતે રહેતા અને ખેતીકામ સહિત વ્યવસાય કરતાં આઝાદ ચતુરભાઈ રામોલિયાએ સાતેક વર્ષ પહેલાં ડુમસ અને વાટા ખાતે અલગ-અલગ બ્લોક નંભરથી નોંધાયેલ જમીનો ખરીદ કરી હતી. મુળ જમીન માલિક રસીક લલ્લુભાઈ પાસેથી જમીન ખરીદ્યા બાદ આઝાદ રામોલીયાએ તમામ બ્લોક નંબરોના ૭- ૧૨ના ઉતારામાં પોતાનું અને પત્નીનું દાખલ કરાવ્યું હતું.
જો કે, બે વર્ષ પૂર્વે આ જમીનોના ભોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હોવાનું જાણવામાં આવતાં તેઓએ સમગ્ર ઘટના અંગેજિલ્લા કલેક્ટરથી માંડીને સંબંધિત વિભાગમાં તપાસ હાથ ધરી હતી. જેમાં સરકારી અધિકારીઓ સહિત સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના મેળાપીપણામાં આ કારસો રચવામાં આવ્યો હોવાનું ફલિત થયું હતું.
ડુમસ – વાટા અને ગવિયર વિસ્તારમાં સાયલન્ટ ઝોનના નામે સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો દ્વારા ખેડૂતોની અંદાજે પાંચ લાખ ચોરસ વાર જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હોવાનું ફલિત થયું હતું. જેને પગલે જે તે સમયે આઝાદ રામોલીયા દ્વારા જિલ્લા કલેકટરથી માંડીને તત્કાલીન મહેસુલ મંત્રી, મજુરા મામલતદાર, સર્કલ ઓફિસર (ગવિયર) સહિત મ્યુનિસિપલ કમિશનર અને ઝોનલ અધિકારીઓ સમલ ૨૦૨૨માં લેખિતમાં રજુઆત કરી હતી.
જો કે, તમામ સરકારી અધિકારીઓ દ્વારા આ પટનામાં કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો હોય તેમ કોઈ કાર્યવાહી થઈ હતી. બીજી તરફ નાસી પાસ થયા વિના આઝાદ રામોલીયા દ્વારા પોલીસ કમિશનર અને ઈકો -સેલમાં પણ અરજી કરવામાં આવી હતી અને ત્યાંથી પણ કોઈપણ પ્રકારની દાદ મળી ન હતી. જેને પગલે તેઓએ વધુ તપાસ કરતાં
બોગસ પ્રોપર્ટી કાર્ડ સાથે દલાલ મુળ માલિકને જમીન વેચવા પહોંચ્યો
અંકલેશ્વર ખાતે વ્યવસાય કરતાં અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવતાં આઝાદ રામોલિયાની મસમાં અલગ-અલગ બ્લોક નંબરથી જમીન ચાલી આવેલ છે. આ જમીનો ખરીદ્યા બાદ તેઓએ ૨૦૧૭માં ૭/૧૨ના ઉતારામાં પોતાનું અને પત્નીનું નામ પણ દાખલ કરાવ્યું હતું.
જો કે, 2022માં જીગ્નેશ નામક એક બ્રોકર બોગસ પ્રોપર્ટી કાર્ડ લઈને આ જ જમીન મુળ માલિકને વેચવા માટે પહોંચ્યો હતો. જેને પગલે મુળ જમીન માલિક આઝાદ રામોલિયાના હાથ-પગ ઠંડા થઈ ગયા હતા. કરોડો રૂપિયાની જમીનનો ભોગસ પ્રોપર્ટી કાર્ડ જોઈને તેઓ ડધાઈ ગયા હતા અને સંબંધિત સરકારી વિભાગની કચેરીમાં તપાસ કરતાં પોતાની જમીનના અલગ અલગ વ્યક્તિઓના નામે ખોટા પ્રોપર્ટી કાર્ડ બની ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
જેને પગલે આઝાદ રામોલિયા દ્વારા તાત્કાલિક મહેસુલ મંત્રી સહિત જિલ્લા કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓ સમક્ષ કરિયાદ કરી હતી. પરંતુ તે અંગે કોઈ કાર્યવાહી ન થતાં અંતે માર્ચ 2023માં સુરત શહેર ઈકો સેલમાં પણ ફરિયાદ કરી હતી.