અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભાગળ ચાર રસ્તા પાસે ચુનીલાલ ઉત્તમરામ ગાંધીએ 1930માં શરૂ કરેલી પેઢી આજે સુરતમાં મરી-મસાલા અને ડ્રાયફ્રુટ માટે જાણીતી અને વિશ્વાસપાત્ર દુકાન બની છે. 92 વર્ષથી અડીખમ ઉભી ચુની ઉત્તમ પેઢીને તેની કવોલીટી અને વ્યાજબી ભાવ માટે ગ્રાહકો ચુની ઉત્તમ સબસે ઉત્તમ પણ કહે છે. એમની ત્રીજી, ચોથી અને પાંચમી પેઢી આજે ચુની ઉત્તમ ગાંધી દુકાનને ચલાવે છે. એ સમયમાં વૈદકીય મહત્વ વધુ હતું કારણ કે ડોક્ટરો ખૂબ ઓછા હતા એટલે લોકો બિમારીના ઉપચાર માટે જડીબુટ્ટી પર વધુ વિશ્વાસ કરતા. તેને કારણે જ ચુનીલાલ ઉત્તમરામ ગાંધીએ જડીબુટ્ટીની દુકાન શરૂ કરી હતી. ત્યારે ચોકથી સ્ટેશન સુધી સુરતની સીમા હતી અને ઉધના દરવાજાની આગળ કાંઈ નહીં હતું. વસ્તી ખૂબ ઓછી હતી. સુરતમાં ભાગળ વિસ્તારમાં માત્ર ત્રણ કે ચાર જડીબુટ્ટીની દુકાનો હતી. એમાં એક ચુની ઉત્તમની પેઢી હતી. એ સમયમાં શહેરમાં ડ્રાયફ્રૂટનું ચલણ ઓછું હતું. પણ આજે આ દુકાને સુરતના લોકોને ડ્રાયફ્રુટની ખરીદી માટે વિશ્વાસનું સરનામું આપ્યું છે. આજના મોટા મોલ અને ઓનલાઈન ખરીદીના જમાનામાં ચુની ઉત્તમ પેઢી ટકી રહી છે તેની સિક્રેટ આપણે અહીં જાણીએ.
પેઢી દર પેઢી વ્યવસાય આગળ વધ્યો
ચુનીલાલ ગાંધીના અવસાન બાદ તેમના એક માત્ર પુત્ર જેકીશનદાસ ઉર્ફે ફકીરભાઇ માત્ર 12 વર્ષની ઉંમરે ધંધા પર આવી ગયા. તેઓ શ્રી સૂરત ગાંધી મહાજન એસોસીએશનના ત્રણ વર્ષ પ્રમુખ રહ્યા અને પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇના પ્રખર હિમાયતી રહ્યા હતા. 1978માં તેમના અવસાન બાદ એમના પુત્ર ચંદ્રકાંતભાઇએ 20 વર્ષની ઉંમરથી પેઢીનું સંચાલન શરૂ કર્યું. તેઓ પણ બે વર્ષ સૂરત ગાંધી મહાજન એસોસીએશન રહ્યા અને તેઓ ધી સધર્ન ગુરાત ચેમ્બર ઓફ કોમર્સમાં 12 વર્ષ કમિટી મેમ્બર રહ્યા અને લાઇફ ટાઇમ મેમ્બર છે. આજે 87 વર્ષની ઉંમરે પણ સિનિયર સિટીઝન કલબમાં પણ એક્ટીવ છે. તેઓ મરી મસાલાની ખરીદી માટે પોતે નંદુરબાર, રામગંજ મંડી (રાજસ્થાન) અને ઊંઝા મંડીમાં ખરીદી કરવા જતા. મુંબઇ લવિંગ અને તજની ખરીદી માટે જતા.
પંજાબી, મારવાડી અને સૌરાષ્ટ્ર સમાજનો સુરતના વિકાસમાં રોલ
અસલના સુરતમાં ડ્રાયફ્રુટ ખાવાનું ચલણ ન હતું. એમ કહેવાતું કે ડ્રાયફ્રુટ તો રાજા-મહારાજાઓનો ખોરાક છે. એ આપણું કામ નહીં પરંતુ જયારે પંજાબી, મારવાડી અને સૌરાષ્ટ્ર સમાજ સુરતમાં આવી વસ્યો ત્યારે સુરતના વિકાસમાં ચાર ચાંદ લાગ્યા અને મરી મસાલા સાથે ડ્રાયફ્રુટના વ્યાપાર પર પણ ધ્યાન અપાવા લાગ્યું જે આજથી 20 વર્ષ પહેલા ખાસ્સું વધ્યું. આજના સમયમાં હવે ઘણા ડોકટર્સ હોવાથી જડીબુટ્ટીઓનું ચલણ ઓછું થયું અને એટલે એનો વ્યાપાર ઓછો કરવામાં આવ્યો.
કોવિડના સમયે 70 ટકા ઘરાકી ઓછી થઈ હતી: કેવલ ગાંધી
પંકજ ગાંધીના પુત્ર કેવલે જણાવ્યું હતું કે કોવિડના લોકડાઉનના સમયમાં અમને દુકાન ખોલવાની છૂટ હતી. સવારે 6 વાગે દુકાને આવી જતા. વ્હોટસઅેપ પર મેસેજના આધારે ગ્રાહકોના ઘર સુધી માલની ડિલિવરી કરતા. ત્યારે 70 ટકા ઘરાકી ઓછી હતી. કામદારો ન આવવાને કારણે જાતે તોલીને માલ આપતા. આજે પણ ડ્રાયફ્રુટની ખરીદી માટે મુંબઈ, દિલ્હી રૂબરૂ જઈએ છીએ. સીઝનના નવા મરી-મસાલા, અલુણા માટે ડ્રાયફ્રુટ, રમઝાન માટે રમઝાનની ઘરાકી અને દિવાળીના સમયમાં ગ્રાહકોનો સારો સહયોગ મળે છે.
પૂર્વ કમિશનર રાવના સમયમાં સુરતની શિકલ બદલાઈ: હેમંત ગાંધી
હેમંત ગાંધીએ જણાવ્યું કે ભૂતપૂર્વ કમિશનર S.R. રાવની મહેરબાનીથી સુરત શહેરની શિકલ બદલાઈ ગઈ અને જૂની દુકાનોને નવા સ્વરૂપમાં આવવા માટેની બહુ મોટી તક મળી. એ તકને ઝડપીને સુરત શહેરની સૌથી પહેલી AC કરીયાણાની દુકાન બનાવવાનો શ્રેય અમને જાય છે. આજની તારીખમાં મોટા મોલ કે ઓનલાઈન ખરીદી સામે અમે ગ્રાહકોને ક્વોલિટી પ્રોડક્ટ અને વ્યાજબી ભાવથી માલ આપીને ટકી રહ્યા છીએ. મરી મસાલા બનાવવાની કુનેહને કારણે હું જાતે દરેક મસાલા જેમકે, ચાનો મસાલો, ગરમ મસાલો, વેજ-નોનવેજ મસાલા મારી હાજરીમાં બનાવું છું. ઇન્સ્ટન્ટ સાલમપાક રેિસપીની િકટ વેચવાની શરૂઆત પણ અમે જ કરી હતી.
પૂર્વ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુનું સ્વાગત કરેલ
પંકજ ગાંધીએ જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સુરતની મુલાકાત વખતે દાદા જેકીશનદાસ ગાંધીએ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. તેઓ ખુલ્લી જીપમાં પસાર થયા હતા.
લેખક ચં.ચી. મહેતા અને ચુની ઉત્તમનો નાતો: પંકજ ગાંધી
પંકજ ગાંધીએ જણાવ્યું કે 1975માં ગુજરાતી પાઠયપુસ્તક ધો. 8માં નાપાસ નામનો એક પાઠ હતો, જેના લેખક ચં.ચી. મહેતા છે જે ભણવામાં હોંશિયાર નહીં હતા. એટલે તેમના પિતાજીએ ચૂનિયા ગાંધીની દુકાને ખાંડણી અને દસ્તો લઈને મસાલા ફૂટવા બેસાડી દેવાની ધમકી આપી હતી. ત્યારથી ચં.ચી. મહેતાના જીવનમાં નવો વળાંક આવ્યો. તેઓ ખૂબ ભણ્યા અને પ્રખ્યાત લેખક બન્યા.
વ્યાપાર પરદેશ સુધી વિકસ્યો : ચંદ્રકાંતભાઈ ગાંધી
ચંદ્રકાંતભાઈ કહે છે કે પંકજભાઈ અને હેમંતભાઈ ગાંધીના કુનેહ કુશળ અને વ્યવસાયલક્ષી દિર્ઘદ્રષ્ટિથી વેપારને સીમા પર લઈ જવામાં આવ્યો છે. ડ્રાયફ્રૂટ અને મરીમસાલાની ડાયરેક્ટ ડિલિવરી કરવામાં આવે છે. વિદેશથી જેમકે U.S. સાઉથ આફ્રિકા અને કેનેડાથી વોટ્સએપ પર ઓર્ડર આવે છે અને કુરિયરથી વિદેશ માલ મોકલાય છે. ગ્રાહકો દ્વારા જ ચુનીલાલ ઉત્તમરામ ગાંધીને ચુની ઉત્તમ ગાંધી એવું હુલામણું નામ આપવામાં આવ્યું અને તેજ તેમની ઓળખાણ બની છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે ક્વોલીટી અને વ્યાજબી ભાવ આપવો પડે છે.
પહેલાના સમયે કાજુ-બદામ 40 થી 50 રૂપિયા કિલો મળતા
પહેલાના સમયમાં આના, બે આના, પાવલી, ચાર આનાનો જમાનો હતો. 40 થી 50 રૂપિયે કિલો કાજુ-બદામ મળતા. આજે ટુકડા કાજુ 700 રૂપિયા અને 800 રૂપિયા કિલો બદામ મળે છે. આઝાદી વખતે સુરતમાં ડ્રાયફ્રૂટ ખાનારો વર્ગ નહીં મળતો. તે સમયે મેથી એક આના શેર મળતી, ચાર આના શેર અજમો મળતો. આજે ચુની ઉત્તમની દુકાનમાં પાપડ, અથાણા, છુંદો અને ઇસબગુલ પણ મળે છે. અલુણા અને જયાપાર્વતી વ્રત માટે તેઓનું સારું નામ છે.
રેલમાં ડ્રાયફ્રૂટના માલને મોટેપાયે નુકસાન થયું હતું
વર્ષ 2006માં સુરતમાં આવેલી ભયંકર રેલમાં દુકાનમાં 2 ફૂટ સુધી પાણી ભરાયા હતા. ડ્રાયફ્રુટના માલને ખાસ્સુ નુકસાન થયું હતું. જોકે વીમો હોવાથી ભરપાઈ થઈ હતી.